<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતાના મૃત્યુ પ્રકરણે 18 વર્ષે ન્યાય : તબીબી બેદરકારી બદલ સુરતના ડૉ. પરેશ ભજીયાવાલાને બે વર્ષની કેદ

નાનપુરાની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં જાન્યુઆરી 2009માં ગરમ પાણીની થેલીથી દાઝી ગયા બાદ ફેબ્રુઆરીમાં 70 વર્ષીય જૈતુનબીબીનું નિધન થયું હતું : અઠવા પોલીસે 2009માં કરી હતી ધરપકડ : ફેબ્રુઆરી 2025માં ઇસ્માઇલ દરબારે આપી હતી જુબાની : એડવોકેટ કેતન રેશમવાલાની ધારદાર દલીલો બાદ કોર્ટનો ચુકાદો

સુરત : બોલિવૂડના જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતાના અવસાનના 18 વર્ષ જૂના ચકચારી કેસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા તબીબી બેદરકારી બદલ ડૉ. પરેશ ભજીયાવાલાને બે વર્ષની કેદની સજા ફટકારી છે. સુરતની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ સાથે જોડાયેલા આ તબીબ વિરુદ્ધ વર્ષ 2009થી ચાલી રહેલી લાંબી કાનૂની લડત બાદ આખરે પરિવારને ન્યાય મળ્યો છે. આ સમગ્ર કેસમાં ફરિયાદી પક્ષ વતી એડવોકેટ કેતન રેશમવાલાએ અદાલતમાં અસરકારક દલીલો રજૂ કરી હતી.

આ ઘટનાની વિગતો મુજબ, જાન્યુઆરી 2009માં સંગીતકાર ઇસ્માઇલ દરબારના 70 વર્ષીય માતા જૈતુનબીબીને તાવ તેમજ અન્ય શારીરિક તકલીફોની સારવાર માટે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ હતો કે સારવાર દરમિયાન હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા તેમના શરીર પર ગરમ પાણીની થેલી લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવી હતી. આ ગંભીર બેદરકારીના કારણે જૈતુનબીબીની પીઠ અને હાથના ભાગે ભારે દાઝી જવાની ઈજાઓ પહોંચી હતી.

પરિવારે એવો પણ આરોપ મૂક્યો હતો કે શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. પરિણામે ફેબ્રુઆરી 2009માં જૈતુનબીબીએ અંતિમ શ્વાસ લીધા હતા. માતાના આકસ્મિક અને દુખદ નિધન બાદ દરબાર પરિવારે હોસ્પિટલની સારવાર પદ્ધતિ અને બેદરકારી સામે ન્યાયિક જંગ છેડ્યો હતો.

આ પ્રકરણમાં સુરતની અઠવા પોલીસે વર્ષ 2009માં તબીબી બેદરકારીનો ગુનો દાખલ કરીને ડૉ. પરેશ ભજીયાવાલાની ધરપકડ કરી હતી. તે સમયે પરિવારે હોસ્પિટલના સંચાલક ડૉ. ગિરીશ શાહ સહિત અન્ય તબીબો સામે પણ સારવારમાં બેદરકારી દાખવવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ફેબ્રુઆરી 2025માં ખુદ સંગીતકાર ઇસ્માઇલ દરબારે અદાલત સમક્ષ હાજર રહીને પોતાની જુબાની નોંધાવી હતી. જુબાની દરમિયાન તેમણે ચાર્જશીટમાંથી જેમનું નામ કમી કરવામાં આવ્યું હતું તેવા અન્ય બે તબીબોની ભૂમિકા અંગે પણ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. દોઢ દાયકાથી વધુ સમય સુધી ચાલેલી સુનાવણીના અંતે અદાલતે ડૉ. પરેશ ભજીયાવાલાને દોષિત ઠેરવી બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.

18 વર્ષ જૂના આ કેસમાં આવેલા ચુકાદાને પગલે તબીબી ક્ષેત્રે દર્દીઓની સુરક્ષા, સારવારમાં રખાતી તકેદારી, હોસ્પિટલ સંચાલકોની નૈતિક અને કાયદાકીય જવાબદારી તેમજ બેદરકારીના કિસ્સાઓમાં કડક કાર્યવાહીના મુદ્દાઓ ફરી એકવાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે.

(4:16 PM IST)