<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

સુરત જિલ્લાના કડોદરા ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ક્રિપ્ટો રોકાણના નામે ચલથાણના ટ્રાન્સપોર્ટર સાથે 19 લાખની ઠગાઇ

કડોદરા GIDC પોલીસે આ મામલે અંકિતા અગ્રવાલ અને બલબીર સિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત જિલ્લાના કડોદરા ચલથાણમાં રહેતા અને ટ્રાન્સપોર્ટર સંતોષકુમાર પાંડે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો શિકાર બન્યા છે. ગઠિયાઓએ ગ્લાસનોડ કંપનીના એડવાઈઝર બની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે કુલ ₹19.07 લાખ પડાવી લીધા છે.કડોદરા GIDC પોલીસે આ મામલે અંકિતા અગ્રવાલ અને બલબીર સિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 1 માર્ચના રોજ અંકિતા અગ્રવાલ નામની યુવતીએ ફરિયાદીનો ફેસબુક મેસેન્જર પર સંપર્ક કર્યો હતો. પોતે ગાર્મેન્ટ બિઝનેસમાં હોવાનું કહી વિશ્વાસ કેળવ્યા બાદ ફરિયાદીને "Globix Vaults" નામની નકલી એપ ડાઉનલોડ કરાવી હતી.
આરોપીઓએ શરૂઆતમાં ફરિયાદી પાસે ₹15,000 નું રોકાણ કરાવ્યું હતું, જેના પર ₹8,000 નું ત્વરિત વળતર આપીને તેમનો ભરોસો જીતી લીધો હતો. આ લાલચમાં આવી સંતોષકુમારે પોતાના HDFC બેંકના ખાતામાંથી ટુકડે-ટુકડે લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
એપ્લિકેશનમાં તેમનો પ્રોફિટ ₹1.48 કરોડ દેખાતો હતો, પરંતુ જ્યારે રકમ ઉપાડવાની વાત આવી ત્યારે ગઠિયાઓએ વધુ ₹21 લાખની માગણી કરી છેવટે સંપર્ક કાપી નાખ્યો હતો.
કડોદરા GIDC પોલીસ સ્ટેશન પી આઈ  વી.એ. દેસાઈ,  સાયબર ફ્રોડ થાય તો શું કરવું :તે બાબતે લોકોને લોક જાગૃતિ અભિયાન ચલાવીને લોકો ને અપીલ કરે છે  જો તમારી સાથે આવી કોઈ ઘટના બને, તો વિલંબ કર્યા વગર તુરંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.i n પર ફરિયાદ નોંધાવો. "ગોલ્ડન અવર" (પહેલા 2 કલાક) માં કરેલી ફરિયાદથી નાણાં પરત મળવાની શક્યતા વધી જાય છે.

(2:24 PM IST)