<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને AHTU ના સંયુક્ત ઓપરેશનમાં રૂ. ૧૦,૦૦૦ નું ઈનામ ધરાવતા કૈલાસબેન વણઝારાના ૧૪ વર્ષના ગુમ પુત્ર સહિત ૩ સગીર બાળકોનો સહીસલામત કબ્જો મેળવાયો : બાળમજૂરી કરાવતા મજૂર કોન્ટ્રાક્ટર દિનેશ કાબીલદાર અને ઢોર ચરાવનાર ભરત ભરવાડ જેલભેગા

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણના નેતૃત્વમાં પીઆઈ પી.એમ. ધાખડા તથા PI ડી.કે. વાઘેલાની ટીમે બાળકો મુક્ત કરાવી માનવીય અભિગમ દાખવ્યો : ગોધરાના નવા નાડીસરથી ઝડપાયેલા આરોપીઓએ બાળકના ₹૧૦,૦૦૦ માં સોદા કરી માનસિક ત્રાસ ગુજાર્યો હતો

રાજકોટ: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને જોઈન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણાની ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર પી.એમ. ધાખડા અને એએચટીયુ (AHTU) ના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા તથા સ્ટાફે એક સફળ સંયુક્ત ઓપરેશન પાર પાડીને અપહરણ થયેલા ત્રણ સગીર બાળકોને સહીસલામત મુક્ત કરાવ્યા છે. તહેવારોના દિવસોમાં માનવીય અભિગમ દાખવીને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને ટીમની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પીઠ થાબડવામાં આવી છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ કૈલાસબેન વણઝારા દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં તેમના ૧૪ વર્ષના પુત્રના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી (એફઆઈઆર નં. ૧૧૧૯૧૦૪૫૨૨૦૭૬૨/૨૦૨૨, આઈપીસી કલમ ૩૬૩). આ ગુમ બાળકની શોધખોળ માટે એએચટીયુ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂ. ૧૦,૦૦૦ નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નાડીસર ગામ ખાતે દરોડો પાડીને મજૂર કોન્ટ્રાક્ટર દિનેશ રામસિંગ કાબીલદાર (ઉં.વ. ૪૭) અને ઢોર ચરાવનાર ભરત પોપટ ભરવાડ (ઉં.વ. ૩૫) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની ચંગુલમાંથી સોલા વિસ્તારમાંથી ગુમ થયેલા કિશોર સહિત અન્ય બે સગીર બાળકોને સફળતાપૂર્વક મુક્ત કરાવ્યા હતા.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી દિનેશ કાબીલદારે ૧૪ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને મજૂરી કામ કરાવવા માટે ભરત ભરવાડને રૂ. ૧૦,૦૦૦ માં વેચી દીધો હતો. આરોપી ભરત ભરવાડ અને તેનો ભાઈ રણછોડ ભરવાડ આ ત્રણેય બાળકો પાસે બળજબરીથી કાળી મજૂરી કરાવતા હતા અને તેમને ભારે માનસિક ત્રાસ આપતા હતા.

બાળકોને પોતાના ઘરે પરત જવું હતું પરંતુ તેમને પોતાના ઘરના સરનામાની ખબર નહોતી. મુક્ત કરાયા બાદ બાળકોએ પરિવાર પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસે ત્રણેય બાળકોને તેમના પરિવારજનોને નવા નાડીસર, વડોદરાના છાણી તેમજ અમદાવાદ ખાતે સહીસલામત સોંપી દીધા છે. પોલીસે બંને આરોપીઓ દિનેશ કાબીલદાર અને ભરત ભરવાડની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:56 PM IST)