<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગૌહત્યાના કેસમાં કાલોલ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો: કોર્ટે ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી

કાદામાં એડિશનલ સેશન્સ જજ બૃજેશકુમારી રાજપૂતે મનુસ્મૃતિ, વેદો અને અન્ય હિંદુ ધર્મગ્રંથોના ઉલ્લેખ સાથે ગાયને 'વિશ્વમાતા' ગણાવી

ગુજરાતમાં ગૌહત્યાના કેસમાં ગાંધીનગર જિલ્લાની કાલોલ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ પ્રત્યેક દોષિતને ₹3 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. 26 ઓક્ટોબર 2026ના રોજ જાહેર થયેલા ચુકાદામાં એડિશનલ સેશન્સ જજ બૃજેશકુમારી રાજપૂતે મનુસ્મૃતિ, વેદો અને અન્ય હિંદુ ધર્મગ્રંથોના ઉલ્લેખ સાથે ગાયને 'વિશ્વમાતા' ગણાવી હતી.

 

આ કેસ 22 ઓગસ્ટ 2024નો છે. ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાના જામલા ગામમાં આવેલા એક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 277 કિલોગ્રામ માંસ, પશુઓની કતલમાં વપરાતા હથિયારો અને વાહન જપ્ત કરવામાં આવ્યાં હતાં. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની તપાસમાં જપ્ત કરાયેલું માંસ ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું.

 

 

સરકારી પક્ષે કોર્ટ સમક્ષ 54 સાક્ષીઓ અને 18 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. પુરાવાઓના આધારે અમદાવાદના જુહાપુરાના વસીમ કુરેશી, બહેરામપુરાના મોહમ્મદ રફીક કુરેશી અને અશફાક બહલીમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કુલ છ આરોપીઓમાંથી એકનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક લાલભાઈ સેનમા અને તેમના પુત્ર દ્વારા નબળી અથવા દૂધ ન આપતી ગાયો અને ભેંસોની ખરીદી કરવામાં આવતી હતી. ત્યારબાદ અમદાવાદથી અન્ય આરોપીઓને બોલાવી આર્થિક લાભ માટે પશુઓની કતલ કરાવવામાં આવતી હોવાનો આરોપ હતો.

 

 

કોર્ટે પોતાના ચુકાદામાં ગૌરક્ષાના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વની ચર્ચા કરી હતી. ગાયને વિશ્વમાતા ગણાવતાં ધાર્મિક ગ્રંથોના ઉલ્લેખ કર્યા હતા. જોકે, દોષિતોને સજા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 અને તેના 2017ના સુધારાની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે.

 

 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પર ચુકાદાને આવકાર્યો હતો. તેમણે ગૌહત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહીનો સંદેશ આપતાં ગાંધીનગર પોલીસ અને સરકારી પક્ષની કામગીરીની પ્રશંસા કરી હતી

 

(10:22 PM IST)