News of Wednesday, 25th November 2026
દિવાળી વેકેશનમાં અમદાવાદીઓની પસંદ બન્યું કાંકરિયા ઝૂ:17 દિવસમાં 1.16 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: તંત્રને 37.45 લાખની બમ્પર આવક
કાંકરિયા તળાવ પરિસરમાં આવેલું કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલય સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર : ઝૂ ખાતે મુલાકાતીઓનો અભૂતપૂર્વ ધસારો: પ્રાણીસંગ્રહાલય તંત્રને લાખો રૂપિયાની માતબર આવક થઈ

અમદાવાદ :દિવાળીના તહેવારો અને શાળાઓના વેકેશન દરમિયાન અમદાવાદીઓ તેમજ બહારગામથી આવતા પ્રવાસીઓમાં હરવા-ફરવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ પરિસરમાં આવેલું કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલય સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું. તહેવારોની રજાઓમાં ઝૂ ખાતે મુલાકાતીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો, જેના પરિણામે પ્રાણીસંગ્રહાલય તંત્રને લાખો રૂપિયાની માતબર આવક થઈ છે.
સત્તાવાર આંકડાઓ મુજબ, 6 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીના માત્ર 17 દિવસના ટૂંકા ગાળામાં કુલ 1 લાખ 16 હજાર 697 મુલાકાતીઓએ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓની આટલી મોટી સંખ્યાને કારણે ઝૂ તંત્રને ટિકિટ વેચાણ થકી કુલ 37 લાખ 45 હજાર 810 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે. દિવાળી વેકેશનમાં સ્થાનિક નાગરિકોની સાથે-સાથે રાજ્યના અન્ય શહેરોમાંથી આવેલા પ્રવાસીઓએ પણ કાંકરિયા ઝૂની મુલાકાત લેવાનું પસંદ કર્યું હતું.
પ્રાણીસંગ્રહાલયમાં વસવાટ કરતા વિવિધ વન્યજીવો ખાસ કરીને બાળકો અને પરિવારોમાં ભારે આકર્ષણ જમાવતા હોય છે. આ વેકેશન દરમિયાન પણ ઝૂમાં રહેલા ડાલામથ્થા સિંહ, વાઘ, દીપડા, કદાવર હાથી, હરણ સહિતના અનેક વન્યપ્રાણીઓ અને રંગબેરંગી પક્ષીઓને નિહાળવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. આજના ડિજિટલ અને ટેક્નોલૉજીના યુગમાં બાળકો મોબાઈલ અને ટીવીની દુનિયામાંથી બહાર નીકળીને પ્રકૃતિ અને વન્યજીવોની નજીક આવે તેવું વાલીઓ ઈચ્છતા હોય છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા અને બાળકોને પ્રાણીઓ તથા પર્યાવરણ વિશે પ્રત્યક્ષ જાણકારી મળે તેવા ઉમદા હેતુથી મોટી સંખ્યામાં વાલીઓ પોતાના સંતાનોને લઈને ઝૂની મુલાકાતે પહોંચ્યા હતા.
આ સમગ્ર બાબતે કાંકરિયા ઝૂના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો અને વેકેશનને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રવાસીઓના ભારે ઉત્સાહ અને શિસ્તબદ્ધ મુલાકાતને કારણે વેકેશનની આ સિઝન ઝૂ માટે અત્યંત સફળ રહી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
