<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

સુરતના કાપોદ્રામાં રૂ. 500ની લેતી-દેતીમાં કારીગરો વચ્ચે ઝગડો: સોશિયલ મીડિયામાં ભ્રામક અફવાઓ ફેલાઈ

ઔદ્યોગિક એકમમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી; પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી

 

સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક ઔદ્યોગિક એકમમાં માત્ર રૂ. 500ની લેતી-દેતીના મુદ્દે કારીગરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સામાન્ય નાણાકીય વિવાદને લઈને બનેલી આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં ભ્રામક અને વધારી-ચઢાવીને રજૂ કરાયેલા સંદેશા ફરતા થતાં થોડા સમય માટે ચકચાર મચી હતી.

 

રૂ. 500ની લેવડદેવડમાં મામલો બિચક્યો

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ઔદ્યોગિક એકમમાં કામ કરતા કેટલાક કારીગરો વચ્ચે રૂ. 500ની લેવડદેવડ બાબતે મતભેદ થયો હતો. ચર્ચા દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી.

 

સોશિયલ મીડિયામાં ઘટનાને અલગ રંગ અપાયો

 

કારીગરો વચ્ચેના વ્યક્તિગત વિવાદને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ગંભીર અને અલગ સ્વરૂપ આપીને રજૂ કરવામાં આવ્યો હતો. ઘટનાની ખરાઈ કર્યા વિના વિવિધ દાવા અને સંદેશા વાઇરલ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

 

કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના કારીગરો વચ્ચેની વ્યક્તિગત નાણાકીય લેવડદેવડ સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.

 

અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ

 

પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફરતા ભ્રામક સંદેશા કે અપ્રમાણિત દાવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. કોઈપણ સંદેશો આગળ મોકલતાં પહેલાં તેની સત્યતા ચકાસવા પણ જણાવવામાં આવ્યું છે.

 

મારામારીમાં સંડોવાયેલા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની સાથે ભ્રામક અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા એકાઉન્ટની ઓળખ મેળવવા પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(4:00 PM IST)