તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સુરતમાં અતિભારે આકાશી આફત વચ્ચે કીમ નદી ઉભરાઈ: 'રેડ એલર્ટ' હેઠળ ૪,૦૦૦ લોકોનું સ્થળાંતર, SDRFની ટીમો તૈનાત અને પૂર સામે તંત્ર હાઈ-એલર્ટ!
ઉમરપાડા (અંબિકા) તાલુકામાં સરેરાશ ૨૨.૫ ઈંચ ખાબક્યો; કીમ નદી ઓવરફ્લો થતાં ઓલપાડ- માંગરોળના ગામો જળબંબાકાર, કલેક્ટર તેજસ પરમારની નાગરિકોને તાકીદની અપીલ

સુરત : હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જારી કરવામાં આવેલા 'રેડ એલર્ટ' અને અવિરત વરસી રહેલા સાંભેલાધાર વરસાદથી સમગ્ર સુરત જિલ્લામાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કીમ નદી ઓવરફ્લો થઈ જતાં અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. કટોકટીની આ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણપણે યુદ્ધના ધોરણે એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે.
જિલ્લામાં ૨૪ કલાકમાં સરેરાશ ૮ ઈંચ, ઉમરપાડામાં આભ ફાટતાં ૨૨.૫ ઈંચ ખાબક્યો
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પૂરની સ્થિતિ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ થયો છે, જ્યાં સરેરાશ ૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વિધ્વંસક વરસાદ અંબિકા/ઉમરપાડા પંથકમાં નોંધાયો છે, જ્યાં ૨૪ કલાકમાં અંદાજે ૨૨.૫ ઈંચ (૫૦૦ મીમીથી વધુ) જેટલો ભારે વરસાદ પડ્યો છે! આ સિવાય સુરત શહેરમાં ૫ થી ૬ ઈંચ અને અન્ય તાલુકાઓમાં ૫ થી ૧૨ ઈંચ સુધીનો પૂરજોશ વરસાદ વરસ્યો છે.
૪,૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, SDRF તૈનાત
કીમ નદીમાં રાત્રિ દરમિયાન ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા સમયસૂચકતા વાપરીને અંબિકા નદી કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાંથી ૪,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે માંડવી ખાતે અગાઉથી તૈનાત SDRFની ટીમ ઉપરાંત ઓલપાડ ખાતે પણ SDRFની વધારાની ટુકડી રવાના કરી દેવામાં આવી છે.
ખાડીઓ અને ઉકાઈ ડેમની વર્તમાન સ્થિતિ
સુરત શહેરની વાત કરીએ તો તમામ મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહી રહી છે, જેથી શહેરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તાપી નદી પરનો સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફીટ છે, જેની સામે હાલ સપાટી ૩૨૦ ફીટ નોંધાઈ છે, જે સુરક્ષિત મર્યાદામાં છે.
કાંઠાના ગ્રામજનોને કલેક્ટરની તાકીદની અપીલ
કલેક્ટર તેજસ પરમારે ખાસ કરીને કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરી છે કે, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીનું જળસ્તર હજુ વધી શકે છે. આથી જોખમી કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકો તુરંત જ સલામત સ્થળે ખસી જાય. હાલમાં SDM, TDO, SDRF અને પોલીસની ટીમો સ્થળ પર હાજર રહીને પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
