<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

AC નું તાપમાન 24 ડિગ્રી પર મર્યાદિત રાખવું :વીજ ઉપકરણો પર વિશેષ નિયંત્રણ રાખો : સચિવાલય સંકુલમાં વીજળીનો વ્યય રોકવા સૂચના જારી

નવી ગાઈડલાઈન્સ મુજબ, અધિકારીઓની ચેમ્બર, મિટિંગ રૂમ અને સર્વર રૂમમાં જરૂરિયાત મુજબ જ એર કંડિશનર (AC) ચલાવવાની સૂચના અપાઈ

ગુજરાત સરકાર દ્વારા સચિવાલય સંકુલમાં વીજળીનો વપરાશ ઘટાડવા અને ઊર્જા સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં વીજ બચત અંગેની સૂચનાઓનું કડક અમલીકરણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ મુજબ, અધિકારીઓની ચેમ્બર, મિટિંગ રૂમ અને સર્વર રૂમમાં જરૂરિયાત મુજબ જ એર કંડિશનર ચલાવવાની સૂચના અપાઈ છે. ઉર્જા બચાવવા માટે ACનું તાપમાન સ્ટાન્ડર્ડ મુજબ 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ કચેરીઓમાં જ્યારે જરૂર ન હોય ત્યારે લાઈટ, પંખા અને અન્ય વીજ ઉપકરણો તરત જ બંધ રાખવા માટે કર્મચારીઓને સજાગ રહેવા જણાવાયું છે.

વીજળીનો બચાવ માત્ર ઉપકરણો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સાથે કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન કુદરતી પ્રકાશનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવું આયોજન કરવા અને વોટર કુલર સવારે 9 વાગ્યા પછી શરૂ કરી સાંજે 6 વાગ્યા પછી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ, કર્મચારીઓને લિફ્ટનો મર્યાદિત ઉપયોગ કરવા અને સીડીઓનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સરકારી તિજોરી પરના આર્થિક બોજમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ જતન થશે. સચિવાલયના તમામ વિભાગોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

(11:03 PM IST)