News of Wednesday, 24th June 2026
ખંભાતના પીપળોઇના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ અને વીસીઇ શૈલેષ રામભાઈ મકવાણા પેઢીનામું કરી આપવા રૂા.૬,૦૦૦ની લાંચ લેતા એસીબીના સકંજામાં
પીઆઈ આર એન વિરાણી, મદદનીશ નિયામક એમ એચ પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ એસીબી ટીમે ગોઠવ્યું લાંચનું સફળ છટકું : જમીનમાં નામ દાખલ કરવા પેઢીનામું તૈયાર કરવાના માગ્યા હતા નાણા

ખંભાત:આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઇ ગ્રામ પંચાયત કચેરી ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા એક સફળ ટ્રેપનું આયોજન કરીને લાંચિયા સરકારી બાબુઓ પર કડક સપાટો બોલાવવામાં આવ્યો છે. પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ અને વ્હીલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (વીસીઇ) શૈલેષ રામભાઈ મકવાણા ખેડૂત પાસેથી પેઢીનામું તૈયાર કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે, આ કામના એક જાગૃત નાગરિક અને ફરિયાદીના મૂળ વતન ખાતે વડીલોપાર્જિત જૂની શરતની ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં ફરિયાદી તેમજ તેમના ભાઈ અને બહેનોના નામ દાખલ કરવા માટે કાયદેસરના પેઢીનામાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ પેઢીનામું તૈયાર કરી આપવા માટે પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ અને વીસીઇ શૈલેષ રામભાઈ મકવાણાએ ફરિયાદી પાસે રૂા.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે થયેલી રકઝકના અંતે આ લાંચની રકમ રૂા.૮,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ફરિયાદી આ લાંચના નાણા આપવા બિલકુલ સક્ષમ કે ઈચ્છુક ન હોઈ, તેમણે ભ્રષ્ટાચાર સામે લડત આપવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ આણંદ એસીબી પોલીસ સ્ટેશન ખાતે આવીને પોતાની કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે એસીબીના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક હરેશ મેવાડા તેમજ સુપરવિઝન અધિકારી અને મદદનીશ નિયામક એમ એચ પુવારના સુપરવિઝન હેઠળ આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી તથા તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજ રોજ તા.૨૪/૦૬/૨૦૨૬ના દિવસે મોજે પીપળોઇ ગ્રામ પંચાયત કચેરી ખાતે એસીબીની ટીમે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી સાથે લાંચના નાણા અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ આરોપી નંબર (૨) શૈલેષ રામભાઈ મકવાણાએ ફરિયાદી પાસેથી લાંચના નાણા રૂા.૮,૦૦૦ સ્વીકાર્યા હતા. નાણા મેળવ્યા બાદ આરોપી નંબર (૧) તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહના કહેવાથી વીસીઇ શૈલેષ રામભાઈ મકવાણાએ તેમાંથી રૂા.૨,૦૦૦ ફરિયાદીને પરત આપ્યા હતા. આમ, બંને આરોપીઓએ એકબીજાની મેળાપીપણામાં મદદગારી કરીને લાંચના ચોખ્ખા રૂા.૬,૦૦૦ સ્વીકારી લીધા હતા.
લાંચની રકમ સ્વીકારાતાની સાથે જ પૂર્વયોજિત પ્લાન મુજબ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી અને તેમની ટીમે ત્રાટકીને લાંચની રૂા.૬,૦૦૦ની રકમ રિકવર કરી બંને આરોપીઓને ઘટનાસ્થળે જ દબોચી લીધા હતા. તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહે પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી ગુનો કર્યો હોવાથી એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
