<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ભાવનગરમાં ખરીફ વાવેતર ચાર લાખ સત્તર હજાર હેક્ટરે પહોંચ્યું, વરસાદ ખેંચાતા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર

ભાવનગર જિલ્લામાં અનિયમિત વરસાદ વચ્ચે પાક સંરક્ષણ માટે આકસ્મિક આયોજન અપનાવવા અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિ સર્જાતા ખેતીવાડી વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે આકસ્મિક પાક આયોજન હેઠળ જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો છે. ઉપલબ્ધ વરસાદી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ખેતી પાકોના ઉત્પાદન પર વરસાદની અછતની માઠી અસર ન પડે તે માટે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ સરેરાશ વાવેતર વિસ્તાર ચાર લાખ છત્રીસ હજાર નૌસો છ હેક્ટર છે. તેની સામે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ચાર લાખ સત્તર હજાર ચારસો અડત્રીસ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં કપાસનું સૌથી વધુ બે લાખ અઢાર હજાર હેક્ટર, મગફળીનું એક લાખ ચૌદ હજાર હેક્ટર, તુવેરનું એક હજાર ચારસો છાસી હેક્ટર, સોયાબીનનું એક હજાર એકસો તેત્રીસ હેક્ટર અને ઘાસચારાનું સુડતાલીસ હજાર સાતસો છ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

ભાવનગર જિલ્લામાં સરેરાશ ૬૪૮ મિમી વરસાદની સામે અત્યાર સુધીમાં ૪૭૦ મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશની સરખામણીએ ૭૨.૫૩ ટકા જેટલો થાય છે. વરસાદ ખેંચાવાથી હવે પાકમાં ભેજ જળવાઈ રહે અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય તે બાબતે ખેતીવાડી વિભાગે ખેડૂતોને મહત્વના સૂચનો આપ્યા છે. જે ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, તેમને પાકની કટોકટીની અવસ્થામાં એકાંતર ચાસે પિયત આપવાની સલાહ આપવામાં આવી છે.

પાકની વૃદ્ધિ, ફૂલ બેસવા, સિંગ બાંધવાની અને દાણા ભરાવા જેવી મહત્વની અવસ્થાઓમાં આ પદ્ધતિ અપનાવવાથી અંદાજે ૩૫ ટકા જેટલા પિયત પાણીની બચત થઈ શકે છે. ખેતરોમાં ડ્રીપ અને ફુવારા પિયત પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. જમીનમાં રહેલો ભેજ લાંબો સમય જળવાઈ રહે તે માટે લાંબા ગાળાના અને હારબંધ વાવેતરવાળા પાકોમાં આંતરખેડ કરવાની ભલામણ કરાઈ છે.

પાકમાં નીંદામણનો પ્રશ્ન હોય તો સમયસર નીંદામણ કરીને પાકને નીંદામણમુક્ત રાખવા જણાવાયું છે. હાલની વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવા અને જરૂરિયાત મુજબ યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા છંટકાવ કરવાની ભલામણ કરાઈ છે. કપાસના પાકમાં ચૂસિયા જીવાતનો ઉપદ્રવ જોવા મળતા પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવા અથવા લીંબોળીના તેલનો છંટકાવ કરીને જીવાતનું નિયંત્રણ કરવા ખેડૂતોને માર્ગદર્શન અપાયું છે.

(11:01 AM IST)