News of Thursday, 15th October 2026
ખેડા જિલ્લા પોલીસનો મોટો સપાટો, નડિયાદમાં સક્રિય ‘ભાનુ ભરવાડ ગેંગ’ સામે ગુજરાતમાં કડક GUJCTOC એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પિતા-પુત્રની ધરપકડ
નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ અને તેના પુત્ર નવઘણ ભરવાડ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરી હેઠળ કાર્યવાહી, 2002 થી અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગ સહિત 19 ગુનાઓનો લાંબો ગુનાહિત ઈતિહાસ ખુલ્યો

ખેડા, તા. 15 : સંગઠિત ગુનાખોરી, ખંડણી અને જમીન પચાવી પાડતી અસામાજિક ગેંગ સામે કડક વલણ અપનાવતા ખેડા જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ અને તેના પુત્ર નવઘણ ભરવાડ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCTOC) હેઠળ ગંભીર ગુનો નોંધી બંનેને રાઉન્ડઅપ કરી લેવાયા છે.
પોલીસની વિગતો મુજબ ભાનુ ભરવાડનો ગુનાહિત ઈતિહાસ લાંબો છે. 2002 થી 2026 દરમિયાન સરકારી અને ખાનગી જમીનો પર ગેરકાયદે કબ્જો, અપહરણ, મારામારી, રાયોટિંગ અને ધાકધમકી સહિત 19 ગુના નોંધાયેલા છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ અનેક ફરિયાદો દાખલ થઈ ચૂકી છે.
ભૂતકાળમાં અદાલત દ્વારા સજા થયા બાદ પણ સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડી જામીન મેળવ્યા હતા, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ ફરી અસામાજિક પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા હતા.
આ કેસની ઊંડાણપૂર્વક તપાસ DySP વિક્રમ સોલંકીને સોંપવામાં આવી છે. પોલીસે બેનામી મિલકતો અને સાગરીતોની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે અને બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
