<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

વાવના એટા નજીકથી અપહરણ કરાયેલ યુવકનો પોલીસે હેમખેમ છૂટકારો કરાવ્યો: આરોપીઓને ઝડપી લેવાયા

ગુનેગારો પોલીસની નજરથી બચવા માટે પૂર્વ કચ્છના ભુજ નજીકના અંતરિયાળ ગામોમાં છુપાયા હતા. સુઈગામ પોલીસે મધ્યરાત્રિએ ઓપરેશન હાથ ધરી આરોપીઓને છૂપા ઠેકાણેથી ઝડપી પાડ્યા

વાવ થરાદના સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. વાવ-થરાદ પંથકમાં બનેલી અપહરણની એક ગંભીર ઘટનામાં સુઈગામ પોલીસે અત્યંત વ્યાવસાયિક અભિગમ દાખવીને ભોગ બનનારને હેમખેમ છોડાવ્યો છે. પોલીસ અધિક્ષકની સીધી સૂચના અને ટેકનિકલ સર્વલન્સના સચોટ ઉપયોગથી ગુનેગારોને દબોચી લેવામાં મોટી સફળતા મળી છે.

વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ભોગ બનનાર યુવકને આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત કરવા અને આરોપીઓની ધરપકડ કરવા માટે કડક આદેશો જારી કર્યા હતા. આ ઓપરેશનને પાર પાડવા માટે સુઈગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એમ. પટેલ અને તેમની ટીમે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ સતત પોતાના લોકેશન બદલી રહ્યા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હતા. જોકે, પોલીસની ટીમે હિંમત હાર્યા વગર આધુનિક ટેકનોલોજી, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વલન્સની મદદથી આરોપીઓનો પીછો ચાલુ રાખ્યો હતો.

 

પોલીસની ટીમે છેક વાપી અને વલસાડ સુધી તપાસ લંબાવી હતી, જ્યાંથી ભોગ બનનાર યુવકને અપહરણકર્તાઓના કબ્જામાંથી સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યો હતો. યુવકની મુક્તિ બાદ આરોપીઓને પકડવા માટે પોલીસે જાળ બિછાવી હતી. ગુનેગારો પોલીસની નજરથી બચવા માટે પૂર્વ કચ્છના ભુજ નજીકના અંતરિયાળ ગામોમાં છુપાયા હતા. સુઈગામ પોલીસે મધ્યરાત્રિએ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને તેમના છૂપા ઠેકાણેથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જગદિશ ધર્મશી સોલંકી (રહે. ઝઝામ, સાંતલપુર), પીયુશ પથુ પારેગી અને પ્રવિણ કરશન પારેગી (બંને રહે. મોરવાડા, સુઈગામ)નો સમાવેશ થાય છે.હાલમાં તમામ આરોપીઓને સુઈગામ પોલીસ મથકે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 

(6:46 PM IST)