તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
અંબાજીના ભાદરવી પુનમના મેળામાં લાખો ભાવિકો ઉમટયાઃ જય અંબેના નાદ ગુંજ્યા
તા.૨૦થી શરૂ થયેલ મહામેળાની આજે પૂર્ણાહુતિઃ હર્ષ સંઘવી ઉપસ્થિત રહયા

અમદાવાદ, તા.૨૬: અંબાજીના ભાદરવી પૂનમ મહામેળાની આજે પૂર્ણાહુતિ થશે. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેનાર છે. તા.૨૦ થી ૨૬ દરમિયાન મહામેળામાં અંબાજી તરફ લાખો માઈભક્તો પગપાળા અને વાહનો દ્વારા પહોંચ્યા છે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પોલીસ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
દાંતા-રતનપુર ખાતે શીત કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પના શુભ પ્રારંભ પ્રસંગે શંકર ચૌધરીએ માતાજીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ રિબન કાપીને કેમ્પ ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માઈભક્તોને આરામની સાથે આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળાને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હિંમતનગરના મહેતાપુરાથી ખેડબ્રહ્માના ખેરોજ પુલ સુધી વન-વે જાહેર કરવામાં આવ્યો છે. પદયાત્રીઓની સુરક્ષા માટે સ્ટેટ હાઇવેની ડાબી બાજુનો વાહનવ્યવહાર બંધ રાખવામાં આવેલ, જ્યારે હિંમતનગરથી જતા માર્ગની જમણી બાજુથી વાહનોને અવરજવર કરવાની મંજૂરી રહેશે. આ જાહેરનામું ૧૯ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર બપોરે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની આકસ્મિક સેવાઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે બનાસકાંઠા પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. મેળા દરમિયાન ૬ હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ અને DRDના જવાનો ખડેપગે રહેશે. સમગ્ર મેળા વિસ્તારને આશરે ૧૦ સેક્ટર અને ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. ૨ SP, ૨૫ DYSP, ૧૭ PI અને ૧૨૦ PSI સહિતનો પોલીસ કાફલો તૈનાત રખાયેલ.
મેળા વિસ્તારમાં ૬૦૦થી વધુ CCTV કેમેરાથી સતત નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા અને ડુંગરાળ વિસ્તારમાં હોર્સ પેટ્રોલિંગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની મદદ માટે ૬૩ પોલીસ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
