તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે જેના વૈભવના વખાણ કર્યા હતા એ વલ્લભીપુરની ધરતીએ ઓગળ્યું સોનું: ASI ના ઉત્ખનનમાં મળ્યો મૈત્રક કાળનો અણમોલ ખજાનો
ભાવનગરમાં ઐતિહાસિક ખોદકામનો બીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ; 5મી થી 8મી સદીના તાંબાના સિક્કા, સીલ, તામ્રપત્રો અને પકવેલી ઈંટોના મહેલોના અવશેષો મળતા પુરાતત્વવિદો ગદગદ

ભાવનગર : પ્રાચીન ભારતના સુવર્ણ ઇતિહાસમાં નાલંદા તક્ષશિલા જેવું જ અગત્યનું સ્થાન ધરાવતી વલ્લભીપીઠની પવિત્ર ભૂમિએ ફરી એકવાર પોતાનો અદભુત ઐતિહાસિક વૈભવ પ્રગટ કર્યો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), ઉત્ખનન શાખા-૫, વડોદરા અને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા વૈજ્ઞાનિક ઉત્ખનન (ખોદકામ) માં આ પ્રદેશના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતી અનેક ચોંકાવનારી અને ઐતિહાસિક શોધો મળી આવી છે. આ એ જ મહાન વિદ્યાપીઠ છે જેનો ઉલ્લેખ વિખ્યાત ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે પોતાના પુસ્તકોમાં બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ ધર્મના મહાન કેન્દ્ર તરીકે કર્યો હતો.
બે તબક્કામાં ચાલ્યું મહા-ખોદકામ: દેશની ટોચની યુનિવર્સિટીઓ જોડાઈ
વલ્લભીપુરનો આ શૈક્ષણિક અને રાજકીય વારસો હંમેશાથી પુરાતત્વવિદો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. નવેમ્બર ૨૦૨૫ થી શરૂ થયેલો ઉત્ખનનનો બીજો સૌથી મોટો તબક્કો મે ૨૦૨૬ ના ચાલુ મહિનામાં જ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ASI ના ડિરેક્ટર ડૉ. રેશમા સાવંત, કો-ડિરેક્ટર ડૉ. સુદ્ધા શાહ અને ગુજરાત સરકારના પુરાતત્વ નિયામક કચેરીના કો-ડિરેક્ટર ડૉ. સિદ્ધા શાહના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. વલ્લભીપુરના ત્રણ મહત્વના સ્થળો — થાપનાથ મહાદેવ ડુંગર, દરબારગઢ પાસેનો ટાઉન એરિયા અને મફતનગરની સંરક્ષિત ખાઈ ખાતે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ મહા-સંશોધનમાં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી, પુણેની પ્રખ્યાત ડેક્કન કોલેજ અને હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો રાત-દિવસ જોડાયા હતા.
ખોદકામમાં શું-શું મળ્યું? પકવેલી ઈંટોના નગર અને પ્રાચીન મહોરો મળી
આ તાજેતરના ઉત્ખનનમાં જમીનની અંદરથી આખેઆખા પ્રાચીન નગરના નમૂના અને માળખાકીય અવશેષો મળી આવ્યા છે. દરબારગઢ વિસ્તારમાંથી પકવેલી ઈંટોની મજબૂત દીવાલો ધરાવતા ભવ્ય મકાનોના લક્ષણો મળ્યા છે, જ્યારે થાપનાથ ખાતે કિંમતી મેલોલાઈટ પથ્થર અને ઈંટોથી બનેલા ધાર્મિક બાંધકામો સપાટી પર આવ્યા છે. આ ઉપરાંત, ધરતીના પેટાળમાંથી મોટી સંખ્યામાં રાજાશાહી સમયના તાંબાના સિક્કા, રાજવી સીલ (મહોરો) અને સીલિંગ, શંખની અત્યંત સુંદર બંગડીઓ, લખાણ ધરાવતા તામ્રપત્રો, કિંમતી પથ્થરોના મણકા, ટેરાકોટા પ્લેક, નંદીની મૂર્તિઓ અને તે જમાનામાં મનોરંજન માટે રમાતા રમત-ગમતના પાંસા પણ મળી આવ્યા છે.
૫મી થી ૮મી સદીનો મૈત્રક કાળ જીવંત થયો
પુરાતત્વ વિભાગના પ્રાથમિક અવલોકન અને વૈજ્ઞાનિક ટેસ્ટિંગ મુજબ, આ તમામ સાંસ્કૃતિક અને વ્યાપારી સામગ્રી મુખ્યત્વે ઇસવીસન પાંચમીથી આઠમી સદી વચ્ચેના સમયગાળાની છે. આ એ સમય હતો જ્યારે વલ્લભીપુરમાં 'મૈત્રક વંશ' નું શાસન હતું અને આ શહેર પશ્ચિમ ભારતનું સૌથી મોટું વ્યાપારી, દરિયાઈ વેપારનું અને ધાર્મિક વિવિધતા ધરાવતું મહાનગરી હતું. અહીં મળેલા વાસણોમાં ટોર્પિડો જારના ટુકડા, કાળા અને લાલ મૃદપાત્રો (માટીના વાસણો) દર્શાવે છે કે તે સમયે વિદેશો સાથે પણ વલ્લભીપુરનો વ્યાપાર ધમધમતો હતો.
૧૮મી મેના રોજ રાજકોટના વોટસન મ્યુઝિયમ ખાતે યોજાશે ભવ્ય પ્રદર્શન:
આ અદભુત શોધો અને પ્રાચીન ઇતિહાસથી સામાન્ય જનતા માહિતગાર થઈ શકે તે માટે આગામી ૧૮મી મે ૨૦૨૬ ના રોજ 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ' નિમિત્તે રાજકોટના ઐતિહાસિક વોટસન મ્યુઝિયમ ખાતે એક વિશેષ ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વલ્લભીપુર ઉત્ખનનમાંથી મળી આવેલી અણમોલ વસ્તુઓ અને સાઇટના દુર્લભ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઇતિહાસપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ગુજરાતના વૈભવશાળી ભૂતકાળને નજીકથી જોવાની એક અમૂલ્ય તક બનશે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
