News of Tuesday, 7th July 2026
અમદાવાદના એરપોર્ટ પર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો: બેંગકોકથી આવેલ મુસાફર પાસેથી 4.276 કિલોગ્રામ 'હાઇડ્રોપોનિક ગાંજો' મળ્યો
ટ્રોલી બેગમાં ફૂડ પેકેટની અંદર અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવેલા 22 પારદર્શક પોલિથિન પેકેટ્સ મળી આવ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટ TG-343ના એક શંકાસ્પદ મુસાફરનું પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગમાં ફૂડ પેકેટની અંદર અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવેલા 22 પારદર્શક પોલિથિન પેકેટ્સ મળી આવ્યા હતા.
ઝડપાયેલા આ જથ્થાની સઘન તપાસ કરતા તેમાંથી કુલ 4.276 કિલોગ્રામ 'હાઇડ્રોપોનિક ગાંજો' મળી આવ્યો હતો. ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ગાંજો હોવાનું પોઝિટિવ આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચી કિંમત ધરાવતા આ ડ્રગ્સના જથ્થાને કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985 હેઠળ કાયદેસર રીતે જપ્ત કર્યો છે.
આ સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સની આ ખેપ કોના દ્વારા મોકલવામાં આવી હતી અને અમદાવાદમાં તેને કોને ડિલિવરી આપવાની હતી, તે દિશામાં કસ્ટમ્સના અધિકારીઓ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા અને તપાસની કાર્યવાહી વધુ કડક કરવામાં આવી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
