<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જસ્ટિસ કારીયા કમિટી દ્વારા કડક ચકાસણી થકી છેલ્લા ૨ વર્ષમાં કુલ ૭૫ જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરાયા: આદિજાતિ મંત્રી શ્રી નરેશ પટેલ

વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી કુલ ૧,૭૭૬ અરજીઓમાંથી ૬૧૯ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, સાચા આદિવાસીઓનો હક કોઈ છીનવી ન લે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. જસ્ટિસ કારીયા કમિટી દ્વારા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં તા. ૧ ઓગસ્ટ ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કુલ ૭૫ જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર-૨ વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી કુલ ૧,૭૭૬ અરજીઓમાંથી ૬૧૯ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

     વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, યુવાનોની વર્ષોની મહેનત અને તેમની કારકિર્દી સાથે પ્રમાણપત્રો સંકળાયેલા હોવાથી તેની ખરાઈની પ્રક્રિયા અત્યંત ગંભીરતા, પારદર્શિતા અને ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવે છે. જો ખરાઈ દરમિયાન કોઈ પ્રમાણપત્ર ખોટા હોવાનું સાબિત થાય, તો આદિજાતિ વિભાગ દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નિયમો મુજબ નોકરી અથવા અન્ય મળેલા લાભો પરત ખેંચવા સહિતની જરૂરી દંડાત્મક કાર્યવાહી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવે છે.

(2:17 PM IST)