<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સુરતમાં લાઠી પ્રીમિયર લીગ સિઝન-૪નું શાનદાર સમાપન : ફાઈનલમાં દેસાઈ ઈલેવનને હરાવી 'પવિત્ર રોયલ્સ' ટીમ ચેમ્પિયન બની

લાઠી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો વચ્ચે જામ્યો જંગ : મનજીભાઈ ધોળકિયા અને ઘનશ્યામભાઈ શંકર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજ સંગઠન અને ખેલદિલીનો ત્રિવેણી સંગમ રચાયો

સુરત:સુરત ખાતે સ્થાયી થયેલા લાઠીના લેઉવા પટેલ સમાજના પરિવારો અને નવયુવાનોને એકમંચ પર લાવવાના શુભ આશય સાથે શ્રી લાઠી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત 'લાઠી પ્રીમિયર લીગ' (LPL) સિઝન-૪નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫ અને ૨૬ એપ્રિલ એમ બે દિવસીય ચાલેલી આ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં પવિત્ર રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, જ્યારે દેસાઈ ઈલેવન રનર-અપ ટીમ રહી હતી.

 

નવી પેઢીના પરિચય અને સામાજિક સંગઠનનો હેતુ:

લાઠી પ્રીમિયર લીગના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રમતગમત જ નહીં, પરંતુ સુરત સ્થિત લાઠીના પરિવારો વચ્ચે આત્મીયતા વધારવાનો છે. આ ટુર્નામેન્ટના માધ્યમથી નવી યુવા પેઢી એકબીજાના પરિચયમાં આવે અને ભવિષ્યમાં ધંધા-રોજગાર તેમજ સામાજિક વ્યવહારમાં પરસ્પર ઉપયોગી બને તેવા સુંદર હેતુ સાથે આ ચોથી સિઝનનું આયોજન કરાયું હતું. વડીલો તો એકબીજાને ઓળખતા હોય છે, પરંતુ યુવાનોમાં સંઘશક્તિ વિકસે અને સામાજિક એકતા મજબૂત થાય તેવો શુભ આશય આ આયોજન પાછળ રહેલો છે. આ ટુર્નામેન્ટ નિહાળવા માટે ખાસ લાઠીથી પણ અનેક લોકો સુરત આવ્યા હતા, જ્યાં વર્ષો જૂના મિત્રોનું મિલન પણ જોવા મળ્યું હતું.

 

મહેમાનો અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ:

આ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખેલદિલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ તરીકે ભવાની જેમ્સના મનજીભાઈ ધોળકિયા અને શિવમ જ્વેલ્સના ઘનશ્યામભાઈ શંકર ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત કમિટી મેમ્બર વિજયભાઈ ભુપતભાઈ દેસાઈભાઈ, હિતેશભાઈ વાવડીયાભાઈ, આર. કે. ધોળકિયાભાઈ, જીગ્નેશભાઈ લાઠીયાભાઈ, વલ્લભભાઈ રીબડીયાભાઈ (શાયર) અને બી.યુ. શંકરભાઈ સહિતના સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી.

 

સહભાગીઓનો આભાર વ્યક્ત કરાયો:

સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ આયોજકો દ્વારા સ્પોન્સરો, કેટરર્સ, મીડિયા, અમ્પાયર અને સ્વયંસેવકોનો આભાર માનવામાં આવ્યો હતો. ખાસ કરીને સુરત અને લાઠીના વતનપ્રેમીઓએ બહોળી સંખ્યામાં ઉમટી પડીને આ ટુર્નામેન્ટને યાદગાર બનાવી હતી. ટુર્નામેન્ટના સમાપન બાદ તમામ વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ઉત્સવે સુરતમાં વસતા લાઠીના પરિવારોમાં એકતા અને ઉત્સાહનો નવો સંચાર કર્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:56 PM IST)