તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ભરૂચમાં સત્તાના નશામાં કાયદાના લીરેલીરા: કરજણના ધારાસભ્યના પુત્રની હીન બર્બરતા, આદિવાસી ડ્રાઇવરને ઓફિસમાં ઊંધો લટકાવી લોખંડની પાઇપોથી મરણતોલ માર માર્યો
ડીઝલ ચોરીના માત્ર આક્ષેપ પર આચરાઈ તાલિબાની ક્રૂરતા: જાતિવિષયક અપમાન કરી બેભાન કરી દીધો, MLA પુત્ર ઋષિ પટેલ સહિત ૫ નરાધમો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થતાં સમગ્ર ગુજરાતમાં ભભૂકતો આક્રોશ

ભરૂચ: ગુજરાતના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ભારે ચકચાર જગાવતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત શરમજનક ઘટના ભરૂચ જિલ્લામાંથી સામે આવી છે. કરજણ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના ચાર સાગરીતોએ સત્તા અને સંપત્તિના જોરે માનવતાની તમામ હદો વટાવી દીધી છે. એક ગરીબ આદિવાસી યુવક પર ડીઝલ ચોરીનો માત્ર આક્ષેપ મૂકીને તેને બંધ ઓફિસમાં ગોંધી રાખી, તાલિબાની શૈલીમાં ઊંધા માથે લટકાવીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિત યુવકની સત્તાવાર ફરિયાદના આધારે વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ (અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ ધારો) તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઓફિસમાં ફોટો બતાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઇપો વડે તૂટી પડ્યા
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રહેતા નટવરભાઈ વસાવા નામના આદિવાસી યુવક છેલ્લા એક વર્ષથી ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું માંડ-માંડ ગુજરાન ચલાવે છે. ગત ૧૫ મેના રોજ નટવરભાઈ જંબુસરથી રેતી ખાલી કરીને ડમ્પર સાથે પરત ફર્યા ત્યારે તેમને બકાપુર ખાતે આવેલી ઓફિસે તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ઓફિસમાં ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલે નટવરભાઈને એક વાહનનો ફોટો બતાવીને 'તેં આમાંથી ડીઝલની ચોરી કરી છે' તેમ કહી દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. પીડિત ડ્રાઇવરે આ ખોટા આક્ષેપનો સખત વિરોધ કરીને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું, તે સાથે જ ઉશ્કેરાયેલા ઋષિ પટેલે લોખંડની ભારે પાઇપ વડે નટવરભાઈ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ત્યાં હાજર અન્ય ચાર સાગરીતો પણ પ્લાસ્ટિકની જાડી પાઈપો લઈને ડ્રાઇવર પર તૂટી પડ્યા હતા અને આડેધડ ફટકા માર્યા હતા.
પગ દોરડાથી બાંધી ઊંધા લટકાવ્યા, જાતિવાચક ગાળો ભાંડી બેભાન કર્યા
આરોપીઓની ક્રૂરતા અહીં જ ન અટકી, તેઓએ બર્બરતાની તમામ સીમાઓ પાર કરી નાખી હતી. નટવરભાઈના બંને પગ દોરડાથી મજબૂત રીતે બાંધીને તેમને ઓફિસની છત પર ઊંધા માથે લટકાવી દેવામાં આવ્યા હતા.
"પીડિત યુવક ઊંધો લટકેલી હાલતમાં લોહીલુહાણ થઈને દયાની ભીખ માંગતો રહ્યો, છતાં નરાધમોએ તેની જાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો અને ગાળો બોલીને ગડદાપાટુનો સખત માર મારવાનું ચાલુ રાખ્યું હતું."
સતત થયેલા અમાનુષી અત્યાચાર અને ગંભીર ઇજાઓને કારણે પીડિત ડ્રાઇવર ઘટનાસ્થળે જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. યુવક મરી ગયો છે તેમ સમજીને ધારાસભ્યનો પુત્ર અને તેના સાગરીતો ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટ્યા હતા. બાદમાં ઓફિસના અન્ય કર્મચારીઓએ માનવતા દાખવી નટવરભાઈને બચાવ્યા હતા અને મોટરસાઈકલ પર કહોણા હોડી ઘાટ સુધી પહોંચાડ્યા હતા, જ્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને ઉમલ્લા સરકારી દવાખાને અને બાદમાં વધુ ગંભીર હાલતમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સઘન સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આદિવાસી સમાજમાં ભારે રોષ: વધુ કડક કલમો ઉમેરવા DySP સમક્ષ રજૂઆત કરાશે
આ અરેરાટીભર્યા કિસ્સાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના અગ્રણીઓ, સંગઠનો અને પીડિત પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પીડિત પક્ષના એડવોકેટ મિનેશ પરમારે રોષે ભરાતા જણાવ્યું હતું કે, ગરીબ ડ્રાઇવરને શરીરના ભાગે એટલી હદે ગંભીર આંતરિક ઇજાઓ થઈ છે કે તેઓ આગામી ૨ થી ૩ મહિના સુધી પથારીમાંથી ઉભા થઈ શકે કે કોઈ કામ કરી શકે તેમ નથી. પોલીસે રાજકીય વગ ધરાવતા ધારાસભ્યના પુત્રને બચાવવા હજુ સુધી ફરિયાદમાં BNS ની કલમ ૧૦૯ (ગુનાહિત કાવતરું) અને ૧૧૮ (૨) (ખતરનાક હથિયારોથી ગંભીર ઈજા પહોંચાડવી) જેવી કડક કલમો ઉમેરી નથી, જેના માટે આગામી દિવસોમાં DySP સમક્ષ ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
ગુનામાં સંડોવાયેલા અને હાલ ફરાર ૫ મુખ્ય આરોપીઓ:
૧. ઋષિ અક્ષય પટેલ (મુખ્ય આરોપી, ધારાસભ્યનો પુત્ર - રહે. લીલોડ, તા. કરજણ) ૨. જયદતબાપુ (દેવેશબાપુ) ૩. સાહિલ પટેલ (સાહીલ પઠાણ) ૪. જાવીદ પઠાણ ૫. વિજયભાઈ
હાલ વલણ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વગર તપાસ થાય અને તમામ પુરાવા જળવાઈ રહે તે માટે અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આદિવાસી સંગઠનોએ ચીમકી આપી છે કે જો ધારાસભ્યના પુત્રની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે, તો સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
