<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સુરતના સલાબતપુરામાં પોતાની ઓફિસમાં વકીલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો :વકીલ આલમમાં ભારે રોષ

મકાન વેચવાના મુદ્દે શરૂ થયેલા વિવાદે અચાનક હિંસક સ્વરૂપ ધારણ કર્યું :પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાઈ ગયો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઉપજાવતી ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં પોતાની ઓફિસમાં હાજર વકીલ શોએબ શેખ પર એક વ્યક્તિએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાની સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

 

મળતી માહિતી મુજબ, પ્રવિણ રાઠોડ નામનો વ્યક્તિ વકીલ શોએબ શેખની ઓફિસે પહોંચ્યો હતો. મકાન કેમ વેચાવ્યું તે મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રવિણ રાઠોડે વકીલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

 

 

આરોપીએ વકીલ પર ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. હુમલામાં વકીલના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઓફિસમાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

 

 

 

વકીલ પર તેમની જ ઓફિસમાં થયેલા હુમલાની ઘટનાને પગલે વકીલ આલમમાં નારાજગી જોવા મળી રહી છે. મકાન વેચવાના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.

 

 

ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. CCTV સહિતની વિગતોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રવિણ રાઠોડની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મકાન વેચવાના મુદ્દે થયેલા વિવાદની વિગતો અને હુમલા પાછળનાં કારણો અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

(9:21 PM IST)