<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ગુજરાત ભાડા વિધેયક બીલ સામેની વકીલોની હડતાલ સમેટાઇ

રેવન્‍યુ અધિકારીને સોંપાયેલ સત્તા ફરી જયુડીશ્‍યરીને પરત સોંપાશેઃ વકીલોની માંગણીનો સરકારે સ્‍વીકાર કરતાં વકીલ હડતાલ પરત ખેંચાઇઃ પાંચ દિવસથી ચાલી રહેલ વકીલ હડતાલનો અંતઃ બાર કાઉન્‍સીલ દ્વારા પાંચ સભ્‍યોની કમિટિ બનાવાશે

અમદાવાદ, તા. ૭: ગુજરાત સરકારના ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ મુદ્દે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો અને નાયબ મુખ્‍યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં વિવાદોનું નિરાકરણ આવી જતાં વકીલો હડતાળ પરત ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. સરકારે ભાડા કરાર અંગે જયુડિશિયરી (કોર્ટ)ને પરત પાવર આપવાની જાહેરાત કરી હોવાનું બાર કાઉન્‍સિલ તરફથી સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્‍યું છે. આ માટે પાંચ સભ્‍યોની કમિટિ બનાવાશે.

છેલ્લા પાંચ દિવસથી રાજયભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળનો અંતે સુખદ અંતે આવ્‍યો છે. બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલે સત્તાવાર નિવેદનમાં જણાવ્‍યું હતું કે, સમગ્ર ગુજરાતના વકશ્નલોની લાગણી અને માગણીને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી, એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી સહિત આ મુદ્દે ધ્‍યાન આપનાર તમામનો બાર કાઉન્‍સિલ વતી આભાર માનવામાં આવે છે. વકીલોના જે કંઈ પણ પ્રશ્નો છે એનો નિકાલ લાવવાની ખાતરી સરકારે આપી છે અને નાયબ મુખ્‍યમંત્રીએ ખૂબ સક્રિયતા બતાવી હતી.

આ સમગ્ર કાયદાનો વિરોધ મુખ્‍યત્‍વે એ હતો કે કોર્ટને જે અગાઉ સત્તા હતી એ સત્તા રેવેન્‍યૂ અધિકારીને સોંપવાનો પ્રસ્‍તાવ હતો. તેથી વકીલોની હડતાળ અને વિરોધમાં મુખ્‍ય માગણી આ સત્તા પરત લેવાની હતી. જે અંગે મીટિંગમાં થયેલી ચર્ચા મુજબ આ સત્તા પરત ન્‍યાયતંત્ર(કોર્ટ)ને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, આ મામલે માત્ર આશ્વાસન જ આપવામાં આવ્‍યું નથી, પરંતુ સરકારે જાહેરાત જ કરી દીધી હોવાથી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી અમે હડતાળ સમેટી લેવાનું જાહેર કરે છે અને ગુજરાતના તમામ બાર એસોસિએશનનો પણ આભાર માનવામાં આવે છે. નોંધનીય છે કે ગાંધીનગરમાં નાયબ મુખ્‍યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં બાર કાઉન્‍સિલના સભ્‍યો, અમદાવાદ સિટી સિવિલ એન્‍ડ સેશન્‍સ કોર્ટના હોદ્દેદારો, સ્‍મોલ કોઝ કોર્ટના બાર એસોસિએશનના હોદ્દેદારો, એડવોકેટ જનરલ સહિતના વકીલો હાજર રહ્યા હતા.

બાર કાઉન્‍સિલ ઓફ્‌ ગુજરાતની ગુજરાત સરકારના ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ મુદ્દે બપોરના યોજાયેલી બેઠક બે કલાકથી વધુ સમય ચાલી હતી જો કે, બેઠક અનિર્ણિત રહેતા આજે સાંજે છ વાગે સરકાર સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જો કે વકીલોમાં પણ હડતાળ મુદ્દે બેઠકમાં એકસૂત્રતા જોવા ન મળતા બેઠક પહેલા વકીલોમાં જ અંદરો અંદર વિરોધ થવાની શકયતા દેખાઈ રહી હતી.

આ વિવાદમાં રાજ્‍ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્‍પદ ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' અને કાયકીય પડકારોના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં આક્રમક રોષ મંગળવારે યોજાયેલી મીટિંગ પહેલાં પણ જોવા મળ્‍યો હતો.

કાયદામાં જરૂરી ફેરફાર સુધારાના મુદ્દા તૈયાર કરવા બેઠક મળશે

વકીલોની અચોક્કસ મુદતની હડતાળ સમેટાયા બાદ હવે પરમ દિવસે એટલે કે, તા.૮મી ઓકટોબરે ગુરૂવારે નવા ભાડા વિધેયકમાં જરૂરી સુધારા વધારા કે ફેરફા કરવાના ભાગરૂપે રાજયના કાયદા સચિવ, શેહેરી વિકાસ સચિવ, સીટી સિવિલ કોર્ટ અને સ્‍મોલ કોઝ કોર્ટના હોદ્દેદારોની એક મહત્ત્વની બેઠક યોજાશે. જેમાં વિધેયકમાં જે કોઈ સુધારા વધારા કે ફેરફાર કરવાના થતા હોય તે અંગે ચર્ચા વિચારણા કરી આવા મુદ્દાઓ અલગ તારવાશે અને સરકારમાં તે સુધારો કરવાનો પ્રસ્‍તાવ મોકલાશે.

 

કાયદા મંત્રી સાથેની છેલ્લી બેઠકમાં આખરે વકીલોની માંગણી સ્‍વીકારાઇ

મોડી સાંજે ૬-૩૦ વાગ્‍યે કાયદામંત્રીના નિવાસસ્‍થાને બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર જે.જે.પટેલ, ગુજરાત બાર કાઉન્‍સીલના કો.ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના ૧૫ જેટલા હોદ્દેદારોની કાયદા મંત્રી, કાયદા સચિવ, શહેરી વિકાસ સચિવ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક મળી હતી. લગભગ ૪૫ મિનિટ ચાલેલી બેઠકમાં વકીલોએ પોતાની સમસ્‍યા અને માંગણીને લઈ રજૂઆત કરી હતી અને આ વિવાદિત વિધેયકથી વકીલો-પક્ષકારોને પડનારી મુશ્‍કેલીઓથી તેમને માહિતગાર કર્યા હતા. છેવટે બેઠકમાં કાયદામંત્રીએ બાર કાઉન્‍સિલના હોદ્દેદારો અને વકીલ આગેવાનોને ખાતરી આપી હતી કે, સીટી સિવિલ કોર્ટ અને સ્‍મોલ કોઝ કોર્ટને મકાન-ભાડુઆત સંબંધી તકરારોના કેસમાં જ્‍યુડિશિયલ પાવર ફરી પાછા આપવામાં આવશે. નવા ભાડા વિધેયકમાં જરૂરી સુધારા વધારા કે ફેરફાર કરવા માટે સરકાર દ્વારા પાંચ સભ્‍યોની એક ઉચ્‍ચ સ્‍તરીય સમિતિ બનાવવામાં આવશે, જેમાં સિટી સિવિલ કોર્ટ અને સ્‍મોલ કોઝ કોર્ટના તજજ્ઞોને સમાવવામાં આવશે. સરકારની ખાતરી બાદ ગુજરાત બારા કાઉન્‍સિલ દ્વારા વકીલોની અચોક્કસ મુદતની હડતાળ સમેટી લેવાનો નિર્ણય લેવાયો હતો અને આ અંગેની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

(11:52 AM IST)