તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એન જી પાંચાણીની ટીમે પલસાણાના જોળવા ગામે દરોડો પાડી ડુપ્લીકેટ ક્લીનર તથા શેમ્પુ બનાવતી ફેક્ટરી ઝડપી : ૧૩.૨૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી વિવેક ફળદુની ધરપકડ : જુઓ વિડીયો
એલસીબી પીએસઆઈ એચ સી મસાણી અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈની ટીમે બાતમીના આધારે શિવ પેલેસ શોપિંગની દુકાનોમાં ઓપરેશન હાથ ધરી હિન્દુસ્તાન યુનિલીવર, રેકિટ બેન્કીસર અને ઈમામી જેવી બ્રાન્ડના નામે ચાલતું નકલી ઉત્પાદનનું કૌભાંડ ખુલ્લું પાડ્યું

રાજકોટ: સુરત ગ્રામ્ય જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બ્રાન્ડેડ ચીજવસ્તુઓના ડુપ્લીકેશનના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા ખાસ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાના આધારે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ના પોલીસ ઈન્સ્પેક્ટર એન જી પાંચાણીના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબીની ટીમને પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોળવા ગામે મોટા પાયે બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ટોઇલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પુ બનાવવાનું કૌભાંડ શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. પોલીસે આ રેડ દરમિયાન કુલ ૧૩,૨૨,૪૩૬ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરીને એક મુખ્ય આરોપીને જેલભેગો કર્યો છે.
બાતમીના આધારે શિવ પેલેસ શોપિંગ સેન્ટરમાં ત્રાટકી પોલીસ:
સુરત જિલ્લા એલસીબીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ સી મસાણી અને આર્મ્સ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈની ટીમને પેટ્રોલીંગ દરમિયાન સંયુક્ત રીતે એક ચોક્કસ ખાનગી બાતમીદાર તરફથી મજબૂત હકીકત મળી હતી. બાતમીમાં જણાવ્યું હતું કે, જોળવા ગામની સીમમાં આવેલા શિવ પેલેસ એપાર્ટમેન્ટની નીચે શોપિંગ સેન્ટરની દુકાન નંબર ૧ અને ૨ માં વિવેક ફળદુ નામનો ઇસમ કોઈપણ બિલ કે આધાર પુરાવા વગર અલગ-અલગ પ્રતિષ્ઠિત બ્રાન્ડના ટોઇલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પુના જથ્થાનો ગેરકાયદેસર સંગ્રહ કરીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ એચ સી મસાણી અને તેમની ટીમે શિવ પેલેસ શોપિંગની દુકાનોમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી હિન્દુસ્તાન યુનિલીવર, રેકિટ બેન્કીસર અને ઈમામી લિમિટેડ જેવી દેશની ટોચની પ્રતિષ્ઠિત કંપનીઓના ભળતા નામે તૈયાર કરાયેલો નકલી અને શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.
લાયસન્સ વગર પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામે થતું હતું નકલી ઉત્પાદન:
પોલીસની પ્રાથમિક તપાસમાં દુકાન પર હાજર ઇસમ પાસે આ પ્રકારની પ્રોડક્ટ્સ રાખવા, બનાવવા કે વેચવા માટેનું કોઈ કાયદેસરનું લાયસન્સ, પરવાનગી કે બિલ હોવાનું માલૂમ પડ્યું ન હતું. આરોપી પ્રતિષ્ઠિત કંપનીના નામે ડુપ્લીકેટ સ્ટીકરો લગાવીને આ જથ્થો ખુલ્લા બજારમાં અસલી તરીકે વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસે તમામ નકલી કેમિકલ અને શેમ્પુનો જથ્થો જપ્ત કરી લીધો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંબંધિત પ્રતિષ્ઠિત કંપનીઓના લીગલ ઓફિસરને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીની વિગત:
આ ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ વિવેક દીપકભાઈ ફળદુ (ઉંમર વર્ષ ૩૨, ધંધો વેપાર) છે. આ આરોપી હાલ ઈ-૧૦૨, શગુન રેસીડેન્સી, નનસાડ રોડ, કામરેજ (તાલુકો કામરેજ, જિલ્લો સુરત) ખાતે રહે છે અને તે મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા-ખીજડીયા ગામનો વતની છે.
રૂપિયા ૧૩.૨૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત:
દરોડા દરમિયાન સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે દુકાનમાંથી નીચે મુજબનો બ્રાન્ડેડ કંપનીના નામે બનાવેલો નકલી મુદ્દામાલ કબજે કર્યો છે:
લાઈઝોલ (Lizol) ઓલ ઈન વન ફ્લોર ક્લીનર (ફ્લોરલ ફ્લેવર) ના ૫ લીટરના ૧૦૦ પ્લાસ્ટિક કેન (કિંમત રૂપિયા ૯૪,૯૦૦/-).
લાઈઝોલ (Lizol) ઓલ ઈન વન ફ્લોર ક્લીનર (સિટ્રસ ફ્લેવર) ના ૫ લીટરના ૩૩૦ પ્લાસ્ટિક કેન (કિંમત રૂપિયા ૩,૧૩,૧૭૦/-).
હારપિક (Harpic) કંપનીના ટોઇલેટ ક્લીનર ભરેલા ૫ લીટરના ૫૩૨ પ્લાસ્ટિક કેન (કિંમત રૂપિયા ૬,૩૧,૪૫૮/-).
સનસિલ્ક (Sunsilk) કંપનીના શેમ્પુ ભરેલી ૧ લીટરની ૧૫ પ્લાસ્ટિક બોટલ (કિંમત રૂપિયા ૧૪,૯૮૫/-).
ઈમામી કેશ કિંગ (Emami Kesh King) શેમ્પુ ભરેલી ૭૦ પ્લાસ્ટિક બોટલ (કિંમત રૂપિયા ૫૯,૪૩૦/-).
અન્ય ૧ લીટર વાળી પ્લાસ્ટિકની શેમ્પુની ૧૧૭ બોટલો (કિંમત રૂપિયા ૧,૭૬,૮૨૩/-).
કુલ જપ્ત કરાયેલો મુદ્દામાલ: રૂપિયા ૧૩,૨૨,૪૩૬/-.
સંયુક્ત ટીમવર્ક દ્વારા પ્રસંશનીય કામગીરી:
સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી બ્રાન્ડના આ મોટા નેટવર્કને ખુલ્લું પાડવામાં એલસીબી શાખાના અધિકારીઓ અને સ્ટાફના માણસોએ સંયુક્ત રીતે ઉત્કૃષ્ટ ટીમવર્ક દર્શાવ્યું છે. આ સફળ ઓપરેશનમાં એલસીબી પીઆઈ એન જી પાંચાણી, પીએસઆઈ એચ સી મસાણી, એએસઆઈ શૈલેષભાઈ માનસીંગભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ભુપતસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈ તેમજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ચોથાભાઈએ સક્રિય ભૂમિકા ભજવી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
