તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
નર્મદામાં અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત: તિલકવાડાના ગોલા તલાવડી નજીક માર્ગ પર મૃતદેહ મળતા ચકચાર
સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ, ટીમે મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો : હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ

નર્મદા તા.૨૫ : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ફરી એકવાર વન્યજીવ અકસ્માતની ઘટના સામે આવી છે. તિલકવાડા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવતા ગોલા તલાવડી ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં એક દીપડાનું કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, આજે વહેલી સવારે ગોલા તલાવડી નજીકથી પસાર થતા માર્ગ પર સ્થાનિક લોકોએ દીપડાનો મૃતદેહ પડેલો જોયો હતો. મૃતદેહ પર વાહનની ટક્કરના નિશાનો સ્પષ્ટ દેખાતા હોવાથી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ તિલકવાડા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પ્રાથમિક તપાસમાં દીપડો પુખ્ત વયનો હોવાનું અને રાત્રિના સમયે રોડ ક્રોસ કરતી વખતે કોઈ પુરઝડપે આવતા અજાણ્યા વાહને તેને ટક્કર મારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તિલકવાડા, ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં દીપડાની અવરજવર સામાન્ય છે. રાત્રિના સમયે હાઈવે પર વાહનોની તેજ ગતિને કારણે અવારનવાર વન્યજીવોના અકસ્માતના બનાવો બને છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
