<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

દાહોદના દેવગઢ બારિયા નગરમાં ફેલાયેલા દીપડાના આતંકનો આખરે અંત :ઐતિહાસિક રાજમહેલ પરિસરમાંથી પાંજરે પુરાયો

છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હિલચાલ પર નજર રાખ્યા બાદ આખરે શિકારની શોધમાં નીકળેલો દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં લાંબા સમયથી ફેલાયેલા દીપડાના આતંકનો આખરે અંત આવ્યો છે. નગરના મધ્યમાં આવેલા ઐતિહાસિક રાજમહેલ પરિસરમાંથી વન વિભાગે એક ખૂંખાર દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં છવાયેલો ભયનો માહોલ દૂર થયો છે અને લોકોએ હાશકારો અનુભવ્યો છે.

 

રાજમહેલ પરિસર, જ્યાં રાજવી પરિવાર નિવાસ કરે છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી. આ વિસ્તારમાં અગાઉ દીપડાએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ હતો. દીપડાના સતત વધી રહેલા આંતકને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા વન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને ગંભીરતાથી લઈને વન વિભાગની ટીમે રાજમહેલ વિસ્તારમાં ખાસ સર્વેલન્સ ગોઠવ્યું હતું અને દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું.

 

છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હિલચાલ પર નજર રાખ્યા બાદ, આખરે શિકારની શોધમાં નીકળેલો દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાયો હતો. પાંજરામાં દીપડો પુરાતા જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહી અને સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે. દીપડાના પાંજરે પુરાતા જ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરીને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશન બાદ હવે સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી જન્મી છે.

(7:32 PM IST)