<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

નળસરોવર ખાતે વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ માટે લાઈફ સેવિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા NIWSના સહયોગથી સ્થાનિક બોટિંગ ઓપરેટર્સને જળસલામતી અને જીવનરક્ષક તકનીકોની તાલીમ અપાઈ

અમદાવાદ: ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર સ્પોર્ટ્સ (NIWS)ના સહયોગથી નળસરોવર સંકુલ, અમદાવાદ ખાતે વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ માટે ‘લાઇફ સેવિંગ ટેકનિક્સ – વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ (LST-WS)’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ નળસરોવર ખાતે બોટિંગ અને વોટર સ્પોર્ટ્સની કામગીરી સાથે સંકળાયેલા સ્થાનિક ઓપરેટર્સને જળસલામતી, જીવનરક્ષક તકનીકો અને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવાનો હતો.
તા. 4 ઑક્ટોબર, 2026થી શરૂ થયેલો આ તાલીમ કાર્યક્રમ તા. 2 નવેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયો હતો. કાર્યક્રમ અંતર્ગત વિવિધ બેચમાં તાલીમ આપવામાં આવી હતી અને દરેક બેચ માટે પાંચ દિવસનો તાલીમ સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 15,877 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં સંભવિત વધારો અને બોટિંગ પ્રવૃત્તિઓમાં વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તાલીમ દરમિયાન સ્થાનિક ઓપરેટર્સને પાણીમાં સર્જાતી કટોકટીની પરિસ્થિતિઓ ઓળખવા, ડૂબતી વ્યક્તિને બચાવવા તથા જરૂરિયાતના સમયે તાત્કાલિક જીવનરક્ષક કામગીરી હાથ ધરવા અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીવનરક્ષક તાલીમનું મહત્ત્વ, લાઇફગાર્ડની ફરજો અને જવાબદારીઓ, પાણીમાં ડૂબવાની વિવિધ પરિસ્થિતિઓ અને તેનાં લક્ષણોની ઓળખ, સ્વિમિંગ તથા વોટર રેસ્ક્યુ ટેકનિક્સ અને પાણીમાં ફસાયેલ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, તાલીમાર્થીઓને CPR (Cardiopulmonary Resuscitation) અને પ્રાથમિક સારવાર (First Aid) અંગે નિદર્શન સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. CPR અને પ્રાથમિક સારવારની પ્રાયોગિક કસોટી દ્વારા તાલીમાર્થીઓની કુશળતાનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ દ્વારા સ્થાનિક બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સની જીવનરક્ષક તથા કટોકટી વ્યવસ્થાપન ક્ષમતામાં વધારો થશે. પરિણામે નળસરોવર ખાતે બોટિંગ અને અન્ય જળપ્રવૃત્તિઓ દરમિયાન સંભવિત અકસ્માતોનું જોખમ ઘટાડવા તેમજ પ્રવાસીઓ માટે વધુ સુરક્ષિત અને વિશ્વસનીય પ્રવાસન અનુભવ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
ગુજરાત પ્રવાસન નિગમની આ પહેલ રાજ્યમાં સાહસિક અને જળઆધારિત પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સાથે પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે

(6:49 PM IST)