<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

આ સપ્તાહમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના દક્ષિણી ભાગોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ:ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આગામી 19 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના દક્ષિણી ભાગોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે. મોનસૂન ટ્રક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે, જેમાં 13 થી 14 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક અને ક્યારેક 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી શક્યતા હોવાથી ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીની વરસાદની સ્થિતિ જોઈએ તો, સરેરાશ કરતા ૨૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સરેરાશ સ્થિતિ જાળવી રાખવા માટે આગામી સમયમાં વધુ સારા વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગની આ આગાહી મુજબ, ખેડૂતો અને નાગરિકોને પોતાની કામગીરીનું આયોજન કરવામાં મદદ મળશે. ખાસ કરીને માછીમારો માટે આપવામાં આવેલી આ ચેતવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ દરિયાઈ સુરક્ષાના નિયમોનું પાલન કરે. રાજ્યના તમામ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જેથી વરસાદને લગતી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી રહે.

(8:37 PM IST)