<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સ્માર્ટફોન માટે જેમ ચાર્જર તેમ શરીર અને મગજ માટે યોગ એ પાવરફુલ ચાર્જર છે - ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

રોજ સવારે ૨૦ મિનિટ યોગનું પ્રીમિયમ ભરશો તો શરીર આજીવન હેલ્થ ક્લેઇમ આપશે, રસોડાના કામ વચ્ચે પણ મહિલાઓ સ્માર્ટ રીતે યોગ કરી શકે છે : કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર:સમગ્ર વિશ્વની સાથે આજે ગાંધીનગરમાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સવારે ૮.૪૦ વાગ્યે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) ની વિશેષ થીમ પર એક ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલની પ્રેરણાદાયી અને ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જ્યાં તેમણે હજારો નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર (UN) સમક્ષ મૂકેલા ઐતિહાસિક પ્રસ્તાવ બાદ આજે યોગ માત્ર એક સામાન્ય કસરત મટીને એક વૈશ્વિક જીવનશૈલી બની ચૂક્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એ બીમાર પડ્યા પછી હોસ્પિટલના બિલની ચૂકવણી માટે કામ આવે છે, જ્યારે યોગ એ બીમારીને આપણાથી દૂર રાખવાનું રોજનું પવિત્ર 'પ્રીમિયમ' છે. જો નાગરિકો રોજ સવારે નિયમિત ૨૦ મિનિટ યોગનું આ પ્રીમિયમ ભરશે, તો તેમનું શરીર આજીવન 'હેલ્થ ક્લેઇમ' આપતું રહેશે.
મંત્રી કમલેશ પટેલે ઘરકામ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે વ્યસ્ત રહેતી મહિલાઓ માટે એક અનોખો અને વ્યવહારિક વિચાર રજૂ કરતા જણાવ્યું કે, મહિલાઓ માટે પોતાના માટે અલગથી સમય કાઢવો મુશ્કેલ હોય છે, પરંતુ તેઓ રોજિંદા કામની વચ્ચે મળતી નાની-નાની ક્ષણોનો પણ સ્માર્ટ ઉપયોગ કરી શકે છે. જેમ કે, રસોડામાં કામ કરતી વખતે થોડી ક્ષણો માટે 'તાડાસન' કરવું, કુકરની સીટી વાગે એટલી વારમાં ૧૦ વાર 'પ્રાણાયામ' કરી લેવા, અથવા વાસણ સાફ કર્યા પછી થોડું 'સ્ટ્રેચિંગ' કરી લેવું. આ નાના-નાના પ્રયાસો પણ મહિલાઓના સ્વાસ્થ્યને ઉત્તમ રાખવામાં મદદરૂપ બનશે. તેમણે વધુમાં એક સુંદર ઉદાહરણ આપતા ઉમેર્યું કે, જેમ સ્માર્ટફોનને રોજ ચાર્જ કરવો પડે છે, તેમ આપણા શરીર અને મગજને રિચાર્જ કરવા માટે 'योग' એ પાવરફુલ ચાર્જર છે. બાહ્ય દુનિયાનું વાઇ-ફાઇ ભલે બંધ હોય, પરંતુ યોગના માધ્યમથી આપણા અંતરાત્મા એટલે કે 'ઇનર-ફાઇ' સાથે કનેક્ટ થવું આજે અનિવાર્ય છે. પ્રાણાયામ એ ફેફસાં અને લોહીને કુદરતી રીતે ડિટોક્સ કરતી એક એવી 'મફત ટેકનોલોજી' છે જેના માટે કોઈ મોંઘી દવાઓની જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકાર યોગને રાજ્યના પ્રત્યેક ઘર અને ગામ સુધી પહોંચાડવા સંપૂર્ણ કટિબદ્ધ છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ સમાન યોગ એ શરીર, મન અને આત્માનો અદ્ભુત સમન્વય છે, જે આપણને આજની દોડધામભરી જિંદગીમાં આંતરિક શાંતિ, ધીરજ અને સંતુલન જાળવતા શીખવે છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ નાગરિકોએ કોલકાતા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક ડિજિટલ ઉદબોધન પણ શ્રવણ કર્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસકપક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરિયા અને બ્રહ્માકુમારી આશ્રમમાંથી કૈલાશ દીદી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, ખૂબ જ મોટી સંખ્યામાં ગાંધીનગરના સ્થાનિક નાગરિકો, ઉત્સાહી વિદ્યાર્થીઓ અને યોગ સાધકોએ જોડાઈને આ આયોજનને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી.

(10:47 AM IST)