<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

લોટના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ :સરખેજ પોલીસે ટ્રકમાંથી 76 લાખની કિંમતનો દારૂ અને બિયરની બોટલો સાથે આરોપીને ઝડપી લીધો

પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરીને આગળની તપાસ તેજ કરી:આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પૂછપરછ શરૂ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. બૂટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી એક અનોખી મોડસ ઓપરેન્ડી  જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. બાકરોલ સર્કલથી સનાથલ નજીક એક ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી પતંજલિના લોટના કટ્ટાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. સરખેજ પોલીસે બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડીને ગેરકાયદે હેરાફેરી  ઝડપી પાડી છે.

પોલીસે ટ્રકની સઘન તલાશી લેતા અંદરથી કુલ 19,000 દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી છે. પકડાયેલા આ મુદ્દામાલની અંદાજિત બજાર કિંમત 76 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી વગતારામ બેનીવાલની ધરપકડ કરી છે. ટ્રકમાં લોટના કટ્ટા એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે જેથી કોઈને દારૂ હોવાની શંકા ન જાય, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ પ્લાન નિષ્ફળ રહ્યો છે.

અમદાવાદમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. લોટના કટ્ટા જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવાનો આ કિસ્સો સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર છે. હાલમાં પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરીને આગળની તપાસ તેજ કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

(6:52 PM IST)