<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

લો બોલોઃ ગુગલ મેપ પર સર્ચ કરી મંદિરમાં ચોરી કરી, ઝડપાય નહીં તે માટે ૧૦ હજાર ચડાવવાની માનતા રાખી

સાણંદના ઉમિયા માતાજી મંદિરમાં ચોરી કરનાર ૫ આરોપીઓની ધરપકડ. માસ્‍ટરમાઇન્‍ડ લક્ષ્મણે ગૂગલ મેપથી પ્‍લાનિગ કર્યું હતું

અમદાવાદ તા.૨૯: ટેકનોલોજીનો વ્‍યાપ વધતા હવે ગુનેગારો પણ હાઇટેક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસથી બચવા માટે કે ગુનો આચરવા માટે ગુનેગારો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. સાણંદમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે લક્ષ્મણ ગુર્જર, કિશન ગુર્જર, મુકેશનાથ કાલબેલિયા, સુરેશનાથ કાલબેલિયા, અને અજયનાથ કાલબેલિયા નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે જ્‍યારે આરોપીઓની પૂછપરછ કરી ત્‍યારે જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. આ ગેંગનો માસ્‍ટર માઇન્‍ડ ૧૮ વર્ષીય લક્ષ્મણ છે. લક્ષ્મણે ચોરી કરવા માટે પાંચેય આરોપીઓની ગેંગ બનાવી હતી અને ગુગલ મેપના આધારે મંદિર સર્ચ કરીને મંદિરના ફોટોગ્રાફસ જોઈ તેમાં ચોરી કરવાથી મોટા પ્રમાણમાં કિમતી સામાન મળશે તેમ નક્કી કરીને ચોરી કરવાનું નક્કી કર્યું. જેના માટે તેણે મંદિરની મુલાકાત કરીને મંદિરમાં પ્રવેશ કરવાના તેમજ બહાર નીકળવાના રસ્‍તાની તપાસ કરી. ત્‍યાર બાદ ગુગલ મેપ મારફતે કયો આરોપી ક્‍યાં ઊભો રહેશે તે રસ્‍તાનું મેપિગ કરીને સ્‍ક્રીન રેકોર્ડિગ કરીને વીડિયો બનાવ્‍યો હતો. ત્‍યારબાદ તેણે અન્‍ય આરોપીઓને વીડિયો મોકલ્‍યો હતો.

લક્ષ્મણ ગુર્જર અને કિશન બંન્ને ભાઇઓ છે. જે રાજસ્‍થાનના ભીલવાડાના રહેવાસી છે. રાજસ્‍થાનથી તેઓ અવારનવાર શાકભાજી વેચવા માટે સાણંદ આવતા હતાં. અને આ દરમિયાન તેઓ અન્‍ય આરોપીઓ સાથે સંપર્કમાં આવ્‍યા હતાં. જે દિવસે ચોરીના બનાવને અંજામ આપ્‍યો ત્‍યારે લક્ષ્મણે તમામ આરોપીઓને વકીલબ્રીજ પાસે બોલાવ્‍યા હતાં. જ્‍યાં તમામના મોબાઇલ ફોન લઇ લીધા હતાં. અને બાદમાં મંદિરથી પાંચ કિલોમીટર દૂર તેઓ બોલેરો ગાડી પાર્ક કરીને ચોરી કરવા માટે ગયા હતા. કિશન અગાઉ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્‍યો હોવાથી પોલીસની કામગીરીથી વાકેફ હતો. પોલીસના હાથે ઝડપાય નહીં એટલા માટે તેણે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કર્યો ન હતો. આરોપીઓના સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ ચોર મચાયે શોરના ગીત પર બનાવેલી એક રીલ્‍સ પણ તેમણે તેમના વોટ્‍સએપગ્રુપમાં શેર કરી હતી.

ચોરી કર્યા બાદ બંન્ને ભાઈઓ રાજસ્‍થાન નાસી ગયા હતા. જ્‍યાં તેમણે ચાંદીનું છત્ર ઓગાળીને રૂપિયા ૯૨ હજારમાં વહેંચી દીધું હતું. જેમાંથી ૧૦ હજારનું ડીઝલ તેમજ ૧૦ હજાર રૂપિયા માતાજીના ચડાવવાની માનતામાં ખર્ચ કર્યા હતા. આરોપીઓએ માનતા રાખી હતી કે જો તેઓ ૧૦ દિવસમાં પોલીસના હાથે ઝડપાઈ જશે નહીં તો તેઓ ૧૦ હજાર રૂપિયાનો ચડાવો ચઢાવશે. આરોપી લક્ષ્મણે સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને ગુગલ મેપના આધારે આખું પ્‍લાનિગ કર્યું હતું. આરોપીઓ ઇસનપુરમાં પણ ટાયર ચોરી કરવાનો હતો. જો કે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(10:00 AM IST)