તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
મકરપુરાની સોસાયટીમાં એક સાથે ૫ મકાનોના તાળા તૂટ્યા
હથિયારો સાથે તસ્કરો CCTVમાં કેદઃઆ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે

વડોદરા : વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બનિયાન ગેંગ'ના તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. આ શાતિર ગેંગની ટોળકીએ સોસાયટીમાં ઘૂસીને એક જ રાતમાં એકસાથે ૫ જેટલા મકાનોના તાળા તોડી ધાડ પાડી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સાગરીતો પરંપરાગત ચડ્ડી-બનિયાન પહેરીને, અવાજ ન થાય તે માટે હાથમાં ચપ્પલ પકડીને સોસાયટીની ગલીઓમાં રેકી કરી રહ્યા છે. એટલું જ નહીં, તસ્કરોના હાથમાં તીક્ષ્ણ અને જોખમી હથિયારો પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હથિયારધારી તસ્કરોની આ હિલચાલ જોઈને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે કે જો કોઈ જાગી ગયું હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત.
મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ગ્રીન પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સ્થળ પરથી જરૃરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લઈ તેના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોએ વહેલી તકે આ ગેંગને પકડી પાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
