<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

પારડીના ઓરવાડમાં ધોળેદિવસે બંધ મકાનના તાળાં તૂટ્યા : તસ્કરો તિજોરીમાંથી ₹1.80 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

સાઇ રેસિડન્સીમાં રહેતા અને કિરાણા સ્ટોર્સ ચલાવતા કનૈયાલાલ ભાનુશાલીના ઘરે ત્રાટકેલા ચોરોએ 45 ગ્રામ દાગીના પર હાથફેરો કર્યો : પુત્ર ઘરે પહોંચતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી

 વલસાડ:  વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ વિસ્તારમાં તસ્કરોએ ધોળેદિવસે ચોરીની ઘટનાને અંજામ આપતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઓરવાડની સાઇ રેસિડન્સીમાં રહેતા એક વેપારીના બંધ ઘરના તાળાં તોડી અજાણ્યા ચોરો આશરે ₹1.80 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

 ઘટનાની વિગત:

કનૈયાલાલ પેરાજભાઈ ભાનુશાલી, જેઓ છેલ્લા ૧૫ વર્ષથી પારડીના દેસાઇવાડ વિસ્તારમાં “પરિચય કિરાણા સ્ટોર્સ” ચલાવે છે, તેમના ઘરે આ ચોરીનો બનાવ બન્યો હતો. ઘટનાના દિવસે કનૈયાલાલભાઈની પત્ની અને પુત્ર વતનમાં ગયા હતા. સવારે કનૈયાલાલભાઈ દુકાને ગયા હતા અને તેમની પુત્રી પણ ઘરને લોક કરી, ચાવી છત્રીમાં સુરક્ષિત રીતે મૂકી નોકરી પર ગઈ હતી.

બપોરના સમયે તેમનો પુત્ર ઘરે પરત ફર્યો ત્યારે તેને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તેણે તાત્કાલિક પિતાને ફોન કરી જાણ કરતા કનૈયાલાલભાઈ ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં જઈ તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો અને તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનું જણાયું હતું.

 તિજોરીનું લોકર તોડી હાથફેરો કર્યો:

તસ્કરોએ બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરીનું લોકર તોડી અંદર રાખેલા કિંમતી દાગીનાની ચોરી કરી હતી. તિજોરીમાંથી સોનાનો હાર, સોનાની ચેન, વીંટીઓ, કાનની બુટ્ટીઓ, નથ અને વિવિધ પેન્ડલ સહિત અંદાજે 45 ગ્રામ વજનના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરાયેલા મુદ્દામાલની બજાર કિંમત આશરે ₹1.80 લાખ આંકવામાં આવી છે.

 બપોરના સમયે તસ્કરો સક્રિય થયા:

પ્રાથમિક અંદાજ મુજબ, આ ચોરીની ઘટના સવારે 9 થી બપોરના 1 વાગ્યાની વચ્ચે બની હોવાનું મનાય છે. વેપારીનો પરિવાર કામ અર્થે બહાર હોય અને ઘર બંધ હોય તે તકનો લાભ ઉઠાવી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ મામલે વલસાડ પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સિસના આધારે તસ્કરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:10 AM IST)