News of Wednesday, 18th November 2026
વડનગરના ઐતિહાસિક વારસાને નિહાળતા લોકસભા અધ્યક્ષશ્રી; પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો સહજ સંવાદ
લોકસભા અધ્યક્ષએ વડનગરના વિવિધ પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત:આર્કિયોલોજિકલ મ્યુઝિયમ અને રેલ્વે સ્ટેશન સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત

વડનગર:લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ઐતિહાસિક નગરી વડનગર ખાતે આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સહભાગી થયા હતા. આ ગરિમામય અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન અધ્યક્ષએ વડનગરના પૌરાણિક અને વિકાસલક્ષી સ્થળોનું નિરીક્ષણ કરીને અહીંની વિરાસત અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઓમ બિરલાએ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પ્રેરણા સ્કૂલ પહોંચ્યા હતા. પ્રેરણા સ્કૂલમાં અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓ સાથે અત્યંત મૈત્રીપૂર્ણ અને સહજ વાતાવરણમાં સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમની પ્રવૃત્તિઓ વિશે વિગતો મેળવીને તેમને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ સાથેનો આ સંવાદ મુલાકાતનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.
પ્રેરણા સ્કૂલની મુલાકાત પૂર્ણ કર્યા બાદ લોકસભા અધ્યક્ષએ વડનગરની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા 'મ્યુઝિક ઓફ મ્યુઝિક', બી.એન. હાઇસ્કૂલ તેમજ વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમની મુલાકાત લઈને વડનગરના હજારો વર્ષ જૂના પુરાતત્વીય ઇતિહાસ અને ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડનગરના વિવિધ પ્રકલ્પોની વિશેષતાઓથી લોકસભા અધ્યક્ષને અવગત કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર ડૉ હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીણા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
