તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
લંડન હીથ્રો એરપોર્ટ ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો, હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક ટ્રીટમેન્ટ બાદ કેસર-હાફુસ પહોંચી વિદેશ, ખેડૂતો હવે સીધા કમાશે ડૉલર-પાઉન્ડ
વિદેશી બજારોમાં ગુજરાતી કેરીની એન્ટ્રી માટે હોટ વોટર ટ્રીટમેન્ટ અને હાઇડ્રો-કૂલિંગ જેવી વૈજ્ઞાનિક પ્રક્રિયા ફરજિયાત: ફ્રૂટ ફ્લાય અને રોગો નાશ પામતા શેલ્ફ લાઇફ વધી, એફ.પી.ઓ. મારફત ખેડૂતોને સીધી નિકાસ માટે સરકારી સબસિડીનો લાભ, સપ્ટેમ્બરથી શાકભાજીની નિકાસનું પણ આયોજન

ગાંધીનગર : જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે ગર્વ થાય, એમ ઈંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરતા દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ 'ઈન્ડીયન મેન્ગો' નો ચસ્કો લાગ્યો છે. શ્રી ગોહિલે વધુમાં ઉમેર્યું કે વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલચટ્ટક હોય છે પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે, જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીનાં બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે. રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત 'કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ'ના માલિક સમીર સાપરીયાએ જણાવ્યું કે અમે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપીએ છીએ. અમેરિકા માટે ખાસ હોટ વોટર પ્રોસેસ કરીએ છીએ, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઈપનિંગ પ્રોસેસ કરીને પછી પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને આલ્ફાનસો કેરીની પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જુનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે.
બગીચામાંથી નીકળેલી કેરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની "ગ્લોબલ પ્રોડક્ટ" બને છે તેની પ્રક્રિયા રોમાંચક છે. કેરી જ્યારે બરાબર પાકવા પર આવે ત્યારે તેને સવારના ઠંડા પહોરમાં તોડી પેક હાઉસમાં લાવી સૌથી પહેલું કામ ડી-સેપિંગનું થાય છે. કેરીની ડીંટડીને ઉંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રાખવામાં આવે છે જેથી ડીંટડીનો બધો રસ નીકળી જાય. આનાથી કેરી કાળી પડતી નથી અને લાંબો સમય બગડતી નથી. ત્યારબાદ હોટ વોટર ટ્રીટમેન્ટમાં લીલી કેરીને 48 અંશ સેલ્સિયસથી 52 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ગરમ પાણીમાં લગભગ 10 મિનિટ માટે ડુબાડી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી કેરીમાં થતો 'એન્થ્રેકનોઝ' અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે તેમજ ફળમાખીના ઇંડા અને ઇયળો મરી જાય છે. ગરમ પાણીના કારણે કેરીમાં કુદરતી 'ઇથિલિન' ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે. ત્યારબાદ હાઇડ્રો-કૂલિંગમાં ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને 10 અંશ સેલ્સિયસથી 15 અંશ સેલ્સિયસ સુધીના ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હવામાં સંપૂર્ણપણે સુકવવામાં આવે છે. ઠંડકને કારણે કેરીનો શ્વસન દર ધીમો પડી જાય છે, જેનાથી કેરી લાંબા સમય સુધી તાજી રહે છે, તેની છાલ કડક રહે છે અને પાક્યા પછી તેનો રંગ ખૂબ જ આકર્ષક અને પીળો દેખાય છે.
સમીર સાપરીયાએ કહ્યું કે "જ્યારે પ્રોડક્ટમાં દમ હોય અને તેને આધુનિક ટેકનોલોજીનો સંગાથ મળે, ત્યારે દુનિયાભરમાં નામના મેળવી શકાય છે. ગીરની વાડીઓથી નીકળેલી કેસર આજે વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે." ખેડૂતો માટે કમાણીની નવી ક્ષિતિજો ખુલી છે. એફ.પી.ઓ.ના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને ડૉલર-પાઉન્ડમાં કમાઈ શકે છે. ખેડૂતો પોતાનું ગ્રુપ કે એફ.પી.ઓ. બનાવીને એકસરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે. આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે, તેમ શ્રી સાપરીયાએ જણાવ્યું હતું. નિકાસકારોના જણાવ્યા મુજબ માત્ર કેરી જ નહીં પરંતુ 2026 ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી-ફોર મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
