હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય :શનિવારથી 15 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા
અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતા ભેજયુક્ત પવનો તેમજ દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશનના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને તાજો વરતારો જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ એલર્ટ અનુસાર રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં 12 થી 15 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં તેમજ 13 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતા ભેજયુક્ત પવનો તેમજ દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશનના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.
રાજ્યના વાતાવરણમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે ચોમાસાના અંતિમ તબક્કામાં ખેતીના પાકો માટે ઉપયોગી એવો સારો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.
હવામાન નિષ્ણાતોના મતે 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર તબક્કાવાર વધશે. તારીખ મુજબ સંભવિત વરસાદી સ્થિતિ આ મુજબ રહેશે:
-
12 સપ્ટેમ્બર: પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
-
13 સપ્ટેમ્બર: સમગ્ર રાજ્ય માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ રહેશે, જ્યાં મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે.
-
14 સપ્ટેમ્બર: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં ચાલુ રહેશે.
-
15 સપ્ટેમ્બર: પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન કેન્દ્ર દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં યેલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દિવસે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં પણ આ સમયગાળા દરમિયાન હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. શહેરમાં બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ બનવા સાથે ભેજનું પ્રમાણ વધશે, જેનાથી ગરમી અને ઉકળાટમાંથી નાગરિકોને રાહત મળશે. નીચાણવાળા વિસ્તારો અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા જણાવાયું છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયામાં ભારે મોજાં ઉછળવાની અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયાકાંઠે પવનની ગતિ તેજ રહી શકે છે.
સંભવિત જોખમને ધ્યાને રાખીને તંત્ર દ્વારા 13 અને 14 સપ્ટેમ્બરના રોજ માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા છે તેમને તાત્કાલિક સલામત કાંઠે પરત ફરવા સૂચના અપાઈ છે. પોર્ટ્સ પર ભયસૂચક સિગ્નલો લગાવીને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
