તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
અમદાવાદમાં સુભાષ બ્રિજ તોડવાની કામગીરીને કારણે સુરક્ષાના ભાગરૂપે રિવરફ્રન્ટનો નીચેનો માર્ગ બંધ કરાયો
આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો હવે નારાયણ ઘાટ થઈને પોતાની મંજિલ તરફ અવરજવર કરી શકશે

અમદાવાદ શહેરમાંથી પસાર થતા સાબરમતી રિવરફ્રન્ટ પરથી નિયમિત અવરજવર કરતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિવરફ્રન્ટ પર સુભાષ બ્રિજ નીચેથી પસાર થતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બ્રિજ તોડવાની ચાલી રહેલી કામગીરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
મળતી વિગતો મુજબ, સુભાષ બ્રિજના એક હિસ્સાને તોડવાની (ડેમોલિશન) કામગીરી હાલ પ્રગતિમાં છે. બ્રિજ તોડતી વખતે ઉપરથી પથ્થરો કે કાટમાળ નીચે રિવરફ્રન્ટ રોડ પર પસાર થતા વાહનો પર પડે તેવી શક્યતા રહે છે. તેથી, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સાવચેતીના ભાગરૂપે આ રોડને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિજ નીચેનો માર્ગ બંધ થવાના કારણે રિવરફ્રન્ટ પરથી પસાર થતા હજારો વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે મુજબ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો હવે નારાયણ ઘાટ થઈને પોતાની મંજિલ તરફ અવરજવર કરી શકશે. તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ વિસ્તારમાંથી પસાર થતી વખતે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને ટ્રાફિક પોલીસ તેમજ તંત્રની કામગીરીમાં સહયોગ આપે. કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ ફરી પૂર્વવત કરી દેવામાં આવશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
