<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

અમદાવાદથી સાપુતારા જતી લક્ઝરી બસ ખાડામાં ખાબકી : મોટી ભેખડ સાથે અથડાઈ અટકી જતાં ખાઈમાં પડતાં બચી

અકસ્માતમાં બસમાં સવાર તમામ 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા તરફ પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી મુસાફરો ભરીને નીકળેલી આ બસ ઘાટ માર્ગ પર ચઢાણ ચઢી રહી હતી તે દરમિયાન અચાનક નિયંત્રણ ગુમાવતા રિવર્સમાં ધસી ગઈ હતી અને ઊંડા ખાડામાં ખાબકી હતી. જોકે, સદનસીબે બસ એક મોટી ભેખડ સાથે અથડાઈને અટકી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને બસમાં સવાર તમામ 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

મળતી વિગતો અનુસાર, અમદાવાદથી ઉપડેલી આ લક્ઝરી બસ સાપુતારા ઘાટ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક તીવ્ર ચઢાણ ચઢતી વખતે બસ આગળ વધવાના બદલે અચાનક રિવર્સમાં જવા લાગી હતી. ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં બસ બેકાબૂ બની પાછળ તરફ ધસી ગઈ હતી અને માર્ગની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ઉતરી પડી હતી.

 

 

બસ જ્યારે ખાડામાં ખાબકી ત્યારે ત્યાં રહેલી એક વિશાળ ભેખડ સાથે જોરદાર રીતે અથડાઈને રોકાઈ ગઈ હતી. જો બસ ભેખડ સાથે અથડાઈને અટકી ન હોત અને વધુ ઊંડી ખાઈમાં ગબડી પડી હોત તો અત્યંત ગંભીર અને ગોઝારી દુર્ઘટના સર્જાઈ શકી હોત. અકસ્માતના આંચકાથી બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

 

 

અકસ્માત સર્જાયા બાદ આસપાસથી પસાર થતા અન્ય વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બસમાં સવાર તમામ 54 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદભાગ્યે કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા ન પહોંચતા અને કોઈ જાનહાનિ ન થતાં તમામ પ્રવાસીઓએ અને તેમના પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક પોલીસ કાફલાએ પણ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:56 PM IST)