<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

મધ્યપ્રદેશના હાઈવે પર મોતનો તાંડવ: 25 હથિયારબંધ લૂંટારુઓથી ઘેરાયેલી વડોદરાની પ્રવાસી બસ, ડ્રાઈવરની લોહીલુહાણ હાલતમાં પણ અદમ્ય બહાદુરી

ધાર્મિક યાત્રા બની ભયાનક અનુભવ: રતલામ નજીક પથ્થરમારા છતાં ડ્રાઈવરે સ્ટેયરીંગ ન છોડ્યું, સૂઝબૂઝથી બચાવ્યો મુસાફરોનો જીવ

વડોદરા : વડોદરાના મુસાફરો માટે એક ધાર્મિક પ્રવાસ અંતમાં ભયાનક દુઃસ્વપ્ન જેવો બની ગયો હતો. મધ્યપ્રદેશના રતલામ નજીક એક્સપ્રેસ વે પર મધરાત્રે હથિયારબંધ લૂંટારુઓની ટોળકીએ વડોદરાના પ્રવાસીઓની લક્ઝરી બસને નિશાન બનાવી હતી. અંદાજે 20 થી 25 જેટલા લૂંટારુઓએ અંધારાનો લાભ લઈ બસને લૂંટવાના મનસૂબા સાથે ઘેરી લીધી હતી, પરંતુ બસના ડ્રાઈવરે પોતાની પીડા અને લોહીલુહાણ હાલતને બાજુ પર મૂકીને જે અપ્રતિમ બહાદુરી બતાવી, તેણે મુસાફરોના જીવ બચાવી લીધા હતા.
લોહીલુહાણ ડ્રાઈવરનું સાહસ
પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ, આસામ અને અયોધ્યા જેવા પવિત્ર સ્થળોના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે આશરે 12:45 વાગ્યે રતલામ પાસે પહોંચતા જ લૂંટારુઓએ હાઈવે પર આવીને બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે બસ ન અટકાવતા લૂંટારુઓએ ચારેય તરફથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બસના કાચના ટુકડા ડ્રાઈવરના કપાળ અને શરીરમાં ખૂંપી ગયા હતા, છતાં ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી હાથ ન હટાવ્યો. ડ્રાઈવરની હિંમતને કારણે બસ લૂંટારુઓના ચુંગાલમાંથી છટકી શકી હતી.
મુસાફરોનો આભાસ: જાણે મોત સામે આવી ગયું હતું
બસમાં સવાર જયંતિભાઈ રાજપૂતે જણાવ્યું કે, "અચાનક થયેલા પથ્થરમારાથી આખી બસમાં અફરાતફરી મચી ગઈ હતી. દરેક ક્ષણ મોત નજીક લાગતી હતી, પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાએ અમને નવજીવન આપ્યું છે." મુસાફરોમાં આ ઘટનાને લઈને ભારે ફફડાટ છે. બીજી તરફ, મુસાફરોએ સ્થાનિક પ્રશાસન અને મધ્યપ્રદેશ પોલીસના વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમનો આક્ષેપ છે કે આટલી મોટી ઘાતક ઘટના છતાં પોલીસ તરફથી જે મળવો જોઈએ તે સહકાર ન મળતા તેમણે હાલાકી ભોગવવી પડી હતી.
સલામ છે આ બહાદુર સારથીને
એક સામાન્ય ડ્રાઈવરની સતર્કતા અને હિંમતને કારણે આજે વડોદરાના અનેક પરિવારો સુરક્ષિત રીતે ઘરે પહોંચી શક્યા છે. પોતાની ઈજાઓની પરવા કર્યા વગર તેણે જે જવાબદારી નિભાવી, તે ખરેખર પ્રશંસનીય છે. જોકે, આ ઘટનાએ મધ્યપ્રદેશના હાઈવે પર રાત્રિના સમયે થતી સુરક્ષા વ્યવસ્થા પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.

(7:16 PM IST)