<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ગ્લેમરનો જાદુ ચાલ્યો પણ દિગ્ગજોના 'ગઢ' ધરાશાયી: ઈન્ફ્લુએન્સર અને સિંગર્સે મારી બાજી, પૂર્વ IPS અને પૂર્વ ધારાસભ્યોને જનતાએ નકાર્યા!

વડોદરામાં અંકિતા પરમારનો પ્રચંડ વિજય તો રાજકોટમાં નયનાબા જાડેજાની હાર: જનતાએ પક્ષપલટુઓને પાઠ ભણાવ્યો, સોશિયલ મીડિયાની લોકપ્રિયતા મતમાં પરિવર્તિત થઈ

ગાંધીનગર : ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોએ રાજ્યના રાજકારણના જૂના સમીકરણો બદલી નાખ્યા છે. આ વખતે જનતાએ નામના કે પદ કરતા 'ગ્રાઉન્ડ કનેક્ટ'ને વધુ મહત્વ આપ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ચૂંટણીના પરિણામોમાં ક્યાંક સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળ્યો તો ક્યાંક મોટા ગજાના નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
સોશિયલ મીડિયા સ્ટાર અને કલાકારોનો ઉદય
વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે ભવ્ય જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે. તેમની ઉમેદવારી સમયે વિવાદ થયો હતો, પરંતુ તેમના ફોલોઅર્સ અને ગ્રાઉન્ડ વર્કે તેમને જીત અપાવી છે. તેવી જ રીતે, લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકાની બેઠક પર 2,313 મતો સાથે વિજયી ડેબ્યુ કર્યું છે. અભિનેત્રી અને સિંગર નેહા સુથારે પણ વિજાપુર તાલુકા પંચાયતની કુડેદા બેઠક જીતીને રાજકારણમાં સફળ પ્રવેશ કર્યો છે. સુરતમાં અલ્પેશ કથિરીયાના પત્ની કાવ્યા કથિરીયાએ વોર્ડ નંબર 3 માં જીત મેળવી પાટીદાર પ્રભુત્વ જાળવી રાખ્યું છે.
દિગ્ગજો અને પક્ષપલટુઓને ફટકો
જ્યાં નવા ચહેરાઓ ચમક્યા છે, ત્યાં અનેક 'હેવીવેઇટ્સ'ના પરાજયથી રાજકીય ગરમાવો વધી ગયો છે. પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને ઓડ બેઠક પરથી 2,700 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી મોટો ઉલટફેર ભેંસાણ જિલ્લા પંચાયત બેઠક પર જોવા મળ્યો, જ્યાં AAP છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને AAP ના દિનેશ રૂપાબેલિયાએ 1,700 મતોથી પરાજય આપ્યો છે. આ પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે જનતા પક્ષપલટાને સહજતાથી સ્વીકારતી નથી.
રાજકોટમાં સેલિબ્રિટી ફેક્ટર નિષ્ફળ
રાજકોટમાં સ્થિતિ થોડી અલગ રહી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવાર સાથે સંકળાયેલા કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા વોર્ડ નંબર 2 માંથી હારી ગયા છે. તેવી જ રીતે, યુવાનોમાં લોકપ્રિય રેડિયો જોકી (RJ) આભા દેસાઈ પણ વોર્ડ નંબર 10 માં પોતાની લોકપ્રિયતાને મતોમાં ફેરવી શક્યા નથી અને તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
જનતાનો સ્પષ્ટ સંદેશ
રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો દર્શાવે છે કે ગુજરાતમાં રાજકીય સંસ્કૃતિ બદલાઈ રહી છે. માત્ર સેલિબ્રિટી હોવું કે મોટું પદ હોવું એ જીતની ગેરંટી નથી. મતદારો હવે ઉમેદવારની વિશ્વસનીયતા, સ્થાનિક સંપર્ક અને કામ કરવાની ક્ષમતાને આધારે મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે લોકશાહીમાં જનતા જ અસલી 'બોસ' છે અને તે ગમે ત્યારે મોટા માથાઓને ઘરે બેસાડી શકે છે.

(6:46 PM IST)