તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
નડિયાદ હાઈવે પર રધવાણજ નજીક શંકરાચાર્ય નગર ખાતે બગલામુખી માતાજીનું ભવ્ય મંદિર બનશે :જગતગુરુ શંકરાચાર્યના હસ્તે ભૂમિપૂજન
ગુજરાતમાં સૌપ્રથમવાર દક્ષિણી સ્થાપત્ય શૈલીમાં મંદિર બનશે : જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે ભૂમિપૂજન:આગામી એક વર્ષમાં મંદિર તૈયાર કરવાનું આયોજન

ખેડા જિલ્લામાં ધાર્મિક આસ્થાનું નવું કેન્દ્ર ઊભું થવા જઈ રહ્યું છે. ખેડા-નડિયાદ હાઈવે પર રધવાણજ નજીક આવેલા શંકરાચાર્ય નગર ખાતે બગલામુખી માતાજી, જેઓ પીતાંબરી મૈયા તરીકે પણ ઓળખાય છે, તેમના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રથમવાર દક્ષિણી સ્થાપત્ય શૈલીમાં બગલામુખી માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાનિધ્યમાં મંદિરનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. રવિવારે સવારે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
ખેડા જિલ્લાના શંકરાચાર્ય નગર ખાતે નિર્માણ પામનાર મંદિરની વિશેષતા તેની દક્ષિણી સ્થાપત્ય શૈલી હશે. ગુજરાતમાં આ પ્રકારનું બગલામુખી માતાજીનું મંદિર સૌપ્રથમવાર બની રહ્યું હોવાનો દાવો છે. મંદિરનું નિર્માણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ઉપાસનાનું મહત્વપૂર્ણ સ્થળ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બગલામુખી માતાજીના દર્શન અને ઉપાસના માટે અનેક શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના નલખેડા ખાતે જાય છે. જોકે, ખેડામાં મંદિર તૈયાર થયા બાદ ગુજરાતના માઈભક્તોને પોતાના રાજ્યમાં જ માતાજીનાં દર્શન અને ઉપાસનાની સુવિધા ઉપલબ્ધ થશે. આ મંદિરને કારણે ભક્તોને ધાર્મિક સાધના માટે વધુ એક મહત્વપૂર્ણ સ્થળ મળશે.
બગલામુખી માતાજી દસ મહાવિદ્યાઓમાં સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજીની સાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંદિરના પાછળના ભાગે વિશાળ હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં શ્રદ્ધાળુઓ માતાજીની સાધના, ઉપાસના અને હોમ-હવન જેવી ધાર્મિક વિધિઓ કરી શકશે.
ખેડા જિલ્લામાં નિર્માણ પામનાર આ મંદિર આગામી સમયમાં રાજ્યભરના બગલામુખી માતાજીના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની શકે છે. ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ સાથે મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
