News of Wednesday, 25th November 2026
બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના શ્રમિક પરિવારને નહેરમાં ફેંક્યો હોવાનો આક્ષેપ:માતા-પિતા સહિત 3નાં મોત: બે બાળકો લાપતા
ઉવા ગામ નજીક અજાણ્યા શખ્સોએ કાર આંતરી મહારાષ્ટ્રના શ્રમિક પરિવાર પર કર્યો હુમલો: 13 વર્ષીય કિશોરનો બચાવ, લાપતા બાળકોની શોધખોળ માટે પોલીસની 8 ટીમો મેદાનમાં

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના એક શ્રમિક પરિવારને નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હોવાના આક્ષેપથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, ચાર શખ્સોએ પરિવારની કાર આંતરી સભ્યોને બહાર કાઢ્યા બાદ ઉકાઈ-કાકરાપાર નહેરમાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય કિશોરનો જીવ બચી ગયો છે. પરિવારનાં અન્ય બે બાળકો હજુ લાપતા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની 8 ટીમો તપાસ અને આરોપીઓની શોધખોળમાં જોડાઈ છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા અને સેજવાળ ગામ નજીકથી પસાર થતી ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેર પાસે આ બનાવ બન્યો હતો. મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી શ્રમિક પરિવાર રોજગારી માટે આવવા નીકળ્યો હતો. પરિવારના સભ્યો કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અન્ય કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની કારને આંતરી હતી.
આરોપ છે કે શખ્સોએ પરિવારના સભ્યોને કારમાંથી નીચે ઉતારી બળજબરીપૂર્વક નજીકની નહેરમાં ફેંકી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ પરિવાર મહારાષ્ટ્રના જલગાંવનો મૂળ રહેવાસી હતો અને એરંડોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો. પરિવાર 21 નવેમ્બરના રોજ મજૂરીકામ અર્થે કારમાં સુરત આવવા નીકળ્યો હતો.
પરંતુ બારડોલીના ઉવા ગામ નજીક પહોંચતા તેમની મુસાફરીનો અંત એક ગંભીર ઘટનામાં થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાર શખ્સોએ કાર આંતરી પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. જોકે, આ હુમલા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
નહેરમાં પરિવારના સભ્યોને ફેંકી દેવામાં આવ્યા હોવાની ઘટનાની જાણ થતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મહુવા વિસ્તારમાંથી માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
બીજી તરફ, પરિવારના 13 વર્ષીય કિશોરનો જીવ બચાવવામાં સફળતા મળી છે. જોકે, પરિવારનાં અન્ય બે બાળકો હજુ સુધી મળી આવ્યાં નથી. નહેરમાં પાણી અને પ્રવાહને ધ્યાનમાં રાખીને લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનામાં ખંડીયો, આભો અને બંટી સહિત કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારને નહેરમાં ફેંકી દેવાના આક્ષેપ બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ, તેમની ભૂમિકા અને ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે તપાસનો વ્યાપ વધારી અલગ-અલગ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તપાસ માટે 8 ટીમો કાર્યરત કરવામાં આવી છે. એક તરફ નહેરમાં લાપતા બાળકોની શોધખોળ ચાલી રહી છે, તો બીજી તરફ પરિવાર પર હુમલો કરનાર શખ્સો સુધી પહોંચવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે.
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. બે બાળકોનો પત્તો મેળવવો અને ઘટનામાં સંડોવાયેલા તમામ શખ્સોને શોધી કાઢવા પોલીસ માટે પ્રાથમિકતા બની છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
