તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 26th September 2026
ઓનલાઇન ફૂડ ડિલિવરી નેટવર્ક અને પ્રોસેસ્ડ ખોરાકની ગુણવત્તા સામે મહારાષ્ટ્રના નો-બુલશિટ IAS અધિકારીના આકરા પ્રહારો: 'ફૂડ સેફ્ટી કાયદાકીય કાગળો પૂરતી સીમિત નહીં પણ નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે જોડાયેલી ગંભીર બાબત છે'
અમદાવાદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંડેનું મોટું નિવેદન; ઓનલાઇન ફૂડ એપ્લિકેશન્સ, ડાર્ક કિચન અને પ્રોસેસ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી સામે કડક કાનૂની પગલાં અને ચેકિંગ ઝુંબેશ તેજ કરવાની સ્પષ્ટ ચેતવણી આપતાં ઉપસ્થિતોમાં ભારે ચર્ચા જાગી

અમદાવાદ : ખાધ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ખીલવાડ સામે દેશભરમાં લાલ આંખ કરનાર મહારાષ્ટ્રના કડક અને પ્રામાણિક આઈએએસ અધિકારી તથા મહારાષ્ટ્ર એફડીએ (Food and Drug Administration) કમિશનર તુકારામ મુંડેએ અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપીને સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી (ખાદ્ય સુરક્ષા) એ માત્ર સરકારી નિયમો, લાયસન્સ અને કાયદાકીય પ્રક્રિયાનો વિષય નથી, પરંતુ તે સીધો દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવન સાથે જોડાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.
કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયેલા "ઓનલાઇન ફૂડ સેફ્ટી અને ગ્રાહક જાગૃતિ" વિષય પરના સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતાં આઈએએસ તુકારામ મુંડેએ આજકાલ વધી રહેલા ઓનલાઇન ફૂડ ડિલિવરી ટ્રેન્ડ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઝડપી ડિલિવરીના ચક્કરમાં ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે ઘણીવાર મોટા પાયે બાંધછોડ કરવામાં આવે છે. 'ડાર્ક કિચન' અને અસ્વચ્છ વાતાવરણમાં તૈયાર થતો ખોરાક લોકોના શરીર માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યો છે.
ઓનલાઇન ફૂડ પ્લેટફોર્મ્સ અને હોટેલ-રેસ્ટોરન્ટ્સને ખુલ્લી ચેતવણી
પોતાના આકરા મિજાજ માટે જાણીતા મુંડેએ જણાવ્યું કે ઓનલાઇન ફૂડ એપ્લિકેશન્સ અને ડિલિવરી પ્લેટફોર્મ્સે પોતાની જવાબદારીમાંથી છટકવું ન જોઈએ. ગ્રાહક જે ખોરાક ઓર્ડર કરે છે તે સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત હોવો જરૂરી છે. મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ભેળસેળિયાઓ, બાસી-સડેલો ખોરાક પીરસતા રેસ્ટોરન્ટ્સ તથા નિયમોનો અનાદર કરતા એકમો સામે ચાલી રહેલી કડક ઝુંબેશનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, "તંત્ર હવે આંખ આડા કાન કરશે નહીં. આરોગ્ય સાથે રમત કરનારાઓ સામે દંડ અને સ્ટોર સીલ કરવા સુધીની આકરી કાર્યવાહી ચાલુ જ રહેશે."
પ્રોસેસ્ડ ફૂડ અને કેમિકલ યુક્ત ખોરાક સામે ગ્રાહકોને જાગૃત થવા હાકલ
પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓ અને નાગરિકોને પણ ગ્રાહક તરીકે જાગૃત બનવા હાકલ કરી હતી. પેક્ડ ફૂડ અને પ્રોસેસ્ડ આઇટમ્સમાં વપરાતા પ્રોઝર્વેટિવ્સ, હાનિકારક કેમિકલ્સ અને રિસાઇકલ્ડ તેલ અંગે ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકોએ માત્ર પેકિંગ કે જાહેરાતો જોઈને ખોરાક ખરીદવાના બદલે તેની એક્સપાયરી ડેટ, સામગ્રી અને ન્યુટ્રિશન વેલ્યુ પ્રત્યે સજાગ રહેવું પડશે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક નાગરિકે ફૂડ સેફ્ટી બાબતે સમાધાન ન કરવાની માનસિકતા કેળવવી પડશે.
અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના હોદ્દેદારો, તજજ્ઞો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રમાં એફડીએ કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તુકારામ મુંડે દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચેકિંગ ઝુંબેશની અસર હવે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ખાતેના તેમના આ આકરા વલણે ફૂડ ઇન્ડસ્ટ્રી અને ઓનલાઇન ડિલિવરી ક્ષેત્રમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
