News of Wednesday, 16th September 2026
‘પતિની લાઇફસ્ટાઇલ વૈભવી હોવાના પુરાવા વિનાના આક્ષેપોથી ભરણપોષણ નક્કી ન થાય'
પત્નીની ૮૦ હજારની ડિમાન્ડ સામે દર મહિને ૧૦ હજાર ભરણપોષણના ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટની બહાલી

અમદાવાદઃતા.૧૬: ભરણપોષણના એક કેસમાં હાઇકોર્ટે પત્નીની અરજીનો નિકાલ કરતાં એવું મહત્ત્વપૂર્ણ તારણ આપ્યું છે કે પતિની લાઇફ સ્ટાઇલ વૈભવી છે, તેની પાસે મોંઘી ગાડીઓ અને વાહનો છે, તે જુદાજુદા બિઝનેસ કરે છે, એવા પુરાવા વિનાના કોઇ પણ આક્ષેપોના આધારે કોર્ટ ભરણપોષણની રકમ નક્કી કરી શકે નહીં. હાઇકોર્ટે આ કેસમાં પત્નીની ૮૦ હજાર ભરણપોષણની ડિમાન્ડની સામે ફેમિલી કોર્ટે દર મહિને ૧૦ હજાર ભરણપોષણની નક્કી કરેલી રકમને યોગ્ય ઠરાવી હતી અને ફેમિલી કોર્ટના આદેશ સામે થયેલી રિવિઝન અરજી રદ કરી હતી.
હાઇકોર્ટે આ કેસમાં ભરણપોષણના કેસોમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતને સ્પષ્ટ કરતો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, એ પ્રસ્થાપિત બાબત છે કે પ્રતિવાદી(આ કેસમાં પતિ)ની વાસ્તવિક આવક સાબિત કરવાની જવાબદારી પ્રાથમિક તબક્કે દાવો કરનાર વ્યક્તિ(પત્ની) પર રહેલી છે, અને પતિની આવકના કોઇ ચોક્કસ આંકડા કે દસ્તાવેજી પુરાવા વિના તેના પર માત્ર વૈભવી જીવનશૈલી, વાહનોની માલિકી અથવા કોઈ ચોક્કસ વ્યવસાય કે કામકાજમાં સંડોવણી હોવાના આક્ષેપો કરવામાં આવે તો તેના આધારે દાવો કરાયેલી રકમ મુજબ ભરણપોષણ નક્કી કરી શકાય નહીં. બીજી તરફ જ્યારે પ્રતિવાદી(પતિ) પોતાની સાચી આવક જાહેર કરવામાં નિષ્ફળ જાય અથવા મહત્વપૂર્ણ હકીકતો છુપાવે, ત્યારે કોર્ટ તેની વિરુદ્ધ વ્યાજબી પ્રતિકૂળ અનુમાન તારવી શકે છે. જોકે, આવા અનુમાનના પરિણામે નક્કી થતી રકમ ન્યાયી અને વ્યાજબી હોવી જોઈએ, નહીં કે અટકળભરી અથવા અતિશયોક્તિપૂર્ણ.
હાઇકોર્ટે આદેશમાં એમ પણ નોંધ્યું છે કે આ કેસમાં ફેમિલી કોર્ટે પોતે એવું તારણ કાઢ્યું છે કે પતિએ તેની આવકનો સંપૂર્ણ અને વાજબી ખુલાસો કર્યો નથી અને તેઓ સ્વીકારેલી આવક ઉપરાંત આવકના અન્યસ્ત્રેતો પણ ધરાવે છે. જોકે, આ બાબતને આધારે પ્રતિકૂળ અનુમાન તારવવાથી અરજદારને તેમણે માંગેલી ચોક્કસ રકમ જેટલું જ ભરણપોષણ મેળવવાનો આપોઆપ અધિકાર મળતો નથી. ભરણપોષણની રકમ તો રેકોર્ડ પરથી વ્યાજબી રીતે જણાઈ આવતી વિગતોને અનુરૂપ જ હોવી જોઈએ. પતિની આર્થિક બાબતોમાં રહેલી શંકાસ્પદ વિગતો અને તેની ચોક્કસ આવક અંગેના કોઈ નક્કર પુરાવાના અભાવને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલી માસિક ૧૦ હજારની રકમને મનસ્વી રીતે અથવા યોગ્ય વિચાર-વિમર્શ કર્યા વિના નક્કી કરવામાં આવી છે તેમ કહી શકાય નહીં.
આ સાથે જ હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પતિની આર્થિક પરિસ્થિતિમાં ફેરફારના આધારે પત્ની ભરણપોષણની રકમમાં વધારા માટેની કાયદાકીય અરજી યોગ્ય ફોરમ સમક્ષ કરી શકે છે. અલબત્ત ફેમિલી કોર્ટના આદેશમાં કોઇ ભૂલ જણાતી નથી અને તેથી આ અરજી રદ કરવામાં આવે છે.
પ્રસ્તુત કેસમાં મુસ્લિમ દંપતીનો ભરણપોષણનો વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં આણંદ ફેમિલી કોર્ટના આદેશ સામે પત્નીએ રિવિઝન અરજી કરી હતી. પત્નીએ એવો દાવો કર્યો હતો કે તેના પતિએ અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બીજાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેણે ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી અને એવો દાવો કર્યો હતો કે પતિ ક્રિકેટ પર સટ્ટો રમે છે, કન્સ્ટ્રક્શન અને મની લેન્ડિંગનો ધંધો કરે છે. તેની પાસે ફોર્ચ્યુનર જેવી વૈભવી કાર અને હાર્લી ડેવિડસન બાઇક્સ છે. તેથી પત્નીને મહિને ૮૦,૦૦૦ ભરણપોષણ આપવાનો આદેશ કરવો જોઇએ.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
