તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ભરૂચના વાગરામાં ગંધાર કંપનીમાં મોટી દુર્ઘટના :લોખંડનો શેડ ધરાશાયી :કાટમાળ નીચે દટાઈ જતા શ્રમિકનું કરૂણમોત
ગમખ્વાર દુર્ઘટનામાં શ્રમિકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી જેના કારણે તેનું મોત નીપજ્યું

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. કંપની પરિસરમાં જર્જરિત હાલતમાં રહેલો લોખંડનો શેડ અચાનક ધરાશાયી થતાં ત્યાં ફરજ બજાવી રહેલા એક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક સલામતી સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ભરૂચના વાગરા પંથકને ઔદ્યોગિક હબ માનવામાં આવે છે, પરંતુ અહીં અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓને કારણે શ્રમિકોની સુરક્ષા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગંધાર સોલ્ટ કંપનીમાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક લોખંડનો વિશાળ શેડ, જે કદાચ લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં હતો, તે એકાએક તૂટી પડ્યો હતો. શેડ નીચે કામ કરી રહેલા શ્રમિકને ભાગવાનો મોકો મળે તે પહેલાં જ ટનબંધ લોખંડનો કાટમાળ તેના પર પડ્યો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં શ્રમિકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ આસપાસના અન્ય કામદારો દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ કમનસીબે શ્રમિકને બચાવી શકાયો નહોતો. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કંપનીની બેદરકારી હોવાનું જણાય રહ્યું છે, કારણ કે જો શેડ જર્જરિત હતો તો તેને સમયસર રિપેર કેમ ન કરવામાં આવ્યો અથવા તે વિસ્તારને પ્રતિબંધિત કેમ ન કરાયો?હાલમાં પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીમાં સુરક્ષાના સાધનો અને માળખાગત સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. શ્રમિકના પરિવારે ન્યાયની અને વળતરની માંગ કરી છે. ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોના જીવના જોખમે ચાલતા આ એકમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
