News of Monday, 18th May 2026
ખેડાના સિમલજ ગામે એસએમસી (SMC) ના પીઆઈ એમ કે માલવિયાની ટીમની મોટી પ્રોહિબિશન રેડ : મહેશ વાઘેલા અને રાહુલ પરમાર રૂ. ૩૧.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા : જુઓ વિડિયો
ડાકોરના સિમલજ ગામે ભાથીજી મંદિર પાછળ આવેલા મકાનમાંથી વિદેશી દારૂની ૭,૩૫૯ બોટલો તેમજ ૪ વાહનો જપ્ત : રાજસ્થાનના હનુમાનસિંગ અને રમેશ જાટ સહિત ચાર આરોપીઓને પકડવા ડાકોર પોલીસે ચક્રો ગતિમાન કર્યા

નડિયાદ, ૧૮ મે : ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સિમલજ ગામે એક બહુ મોટો પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ કે માલવિયા અને તેમની ટીમે બાતમીના આધારે સિમલજ ગામમાં ભાથીજી મંદિરની પાછળ આવેલા ભાથીજીવાળું ફળિયું ખાતે રહેતા મહેશભાઈ રમેશભાઈ વાઘેલા (તળપદા) ના મકાન પર પ્રોહિબિશન રેડ કર્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે સમગ્ર પંથકના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
એસએમસીની ટીમે મકાનની સઘન તલાશી લેતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૭,૩૫૯ વિદેશી દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે ૧૫,૭૦,૩૯૩ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી દારૂની હેરાફેરી અને સપ્લાય માટે ઉપયોગમાં લેવાતા ૪ વાહનો (કિંમત રૂ. ૧૫,૩૦,૦૦૦), ૩ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૦,૦૦૦) અને રોકડા ૧૧,૪૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા. આમ, પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કુલ ૩૧,૩૧,૭૯૩ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડાકોર પોલીસ સ્ટેશનને કેસ સોંપ્યો છે.
પોલીસે આ સફળ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પકડાયેલા આરોપીઓમાં મકાન માલિક મહેશભાઈ રમેશભાઈ વાઘેલા (તળપદા, રહે. સિમલજ, ડાકોર) અને પરમાર રાહુલકુમાર પ્રતાપભાઈ (રહે. બહાર ફળિયું, ઠાસરા) નો સમાવેશ થાય છે. પોલીસે આ બંને આરોપીઓની આકરી પૂછતાછ શરૂ કરી છે જેથી જિલ્લામાં ચાલી રહેલા દારૂના આખા નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.
આ કેસની તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓમાં ઠાસરાના બહાર ફળિયામાં રહેતો પ્રદીપ દિનેશભાઈ પરમાર, દારૂનો મુખ્ય સપ્લાયર હનુમાનસિંગ (રહે. સાંચોર, રાજસ્થાન), રમેશ જાટ (રહે. ચોહટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન) અને વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલો એક અજાણ્યો વાહન ચાલક સામેલ છે. ડાકોર પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી), ૧૧૧(૨)(બી) અને ૧૧૧(૩)(૪) મુજબ ગુનો નોંધીને રાજસ્થાનના આ બુટલેગરો અને સ્થાનિક સાગરીતોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
