તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર : ચાર સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપાયા
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૮ મે ૨૦૨૬ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ : રતનકંવર એચ ગઢવીચરણ, બી એ શાહ, આર્દ્રા અગ્રવાલ અને અરવિંદ વીને નવી જવાબદારીઓ સોંપાઈ

ગાંધીનગર:ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ ૧૮ મે ૨૦૨૬ના રોજ વહીવટી ક્ષેત્રે એક અત્યંત મહત્વનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યપાલના આદેશથી અને તેમના નામે સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ અંજુ શર્માની સહીથી પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા નંબર એઆઈએસ ૩૫ ૨૦૨૬ ૨૬ જી અન્વયે રાજ્યના સિવિલ સર્વિસ વહીવટી માળખામાં તાત્કાલિક અસરથી ફેરફારો કરીને સિનિયર આઈએએસ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ જાહેરનામાની એક નકલ માહિતી અને આગળની જરૂરી કાર્યવાહી માટે ગુજરાતના રાજ્યપાલના પ્રિન્સિપલ સેક્રેટરી ગાંધીનગર તેમજ સચિવાલય ગાંધીનગર ખાતે કાર્યરત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રિન્સિપલ સેક્રેટરીને પણ મોકલી આપવામાં આવી છે.
રતનકંવર એચ ગઢવીચરણને ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ
આ સત્તાવાર જાહેરનામાની વિગતો અનુસાર વર્ષ ૨૦૦૯ની બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી ડૉ રતનકંવર એચ ગઢવીચરણ જેઓ હાલ ગાંધીનગરમાં કમિશનર ઓફ હેલ્થ ગ્રામીણ અને નેશનલ હેલ્થ મિશનના એક્સ ઓફિસિયો મિશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ હવે આગામી આદેશો સુધી ગાંધીનગર ખાતે કમિશનર ઓફ ન્યુટ્રિશન મિશનના પદનો વધારાનો કાર્યભાર સંભાળશે. આ એક્સ કેડર પોસ્ટને અલગથી સરકારના સેક્રેટરી સમકક્ષ આઈએએસ કેડર પોસ્ટ તરીકે ગણવામાં આવી છે.
બી એ શાહની કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ તરીકે નિયુક્તિ
વર્ષ ૨૦૦૯ની બેચના અન્ય એક આઈએએસ અધિકારી બી એ શાહ જેઓ સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ ગાંધીનગર તરીકે કાર્યરત હતા અને તેમની પાસે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ તેમજ મહેસૂલ વિભાગના એક્સ ઓફિસિયો સેક્રેટરી ગાંધીનગરનો વધારાનો ચાર્જ પણ હતો તેમની હવે બદલી કરીને તેમને કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ ઓફિસિયો સેક્રેટરી મહેસૂલ વિભાગ ગાંધીનગરના પદ પર પૂર્ણ સમય માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આર્દ્રા અગ્રવાલને નવી જવાબદારી
બી એ શાહની બદલી થવાના કારણે ખાલી પડેલી જગ્યા પર વર્ષ ૨૦૦૭ની બેચના મહિલા આઈએએસ અધિકારી આર્દ્રા અગ્રવાલ જેઓ હાલ સચિવાલય ગાંધીનગર ખાતે સામાન્ય વહીવટ વિભાગ આયોજનમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે તેઓ આગામી આદેશ સુધી સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ ગાંધીનગરનો વધારાનો કાર્યભાર સંભાળશે.
અરવિંદ વીને નાણાં વિભાગમાં સંયુક્ત સચિવ બનાવાયા
આ નોટિફિકેશન અંતર્ગત વર્ષ ૨૦૧૪ની બેચના આઈએએસ અધિકારી અરવિંદ વીની મહત્વના પદ પર નિમણૂક કરવામાં આવી છે. તેમને સચિવાલય ગાંધીનગર ખાતે નાણાં વિભાગ બજેટમાં જોઈન્ટ સેક્રેટરી એટલે કે સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અરવિંદ વી અમદાવાદ ખાતે એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો પણ સંભાળશે. તેમની આ નવી નિમણૂક થતાંની સાથે જ વરિષ્ઠ આઈએએસ અધિકારી ડૉ પ્રશાંત જીલોવાને એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અમદાવાદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
