તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા વહીવટી મોરચે મોટો ફેરફાર : વર્ગ-૩ ના ૫ કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં બઢતી અપાઈ જ્યારે જૂનાગઢના ટીડીઓ ભુપેશકુમાર લીફવાલાની તાત્કાલિક બદલી કરાઈ
નાયબ સચિવ અચલ સોનીની સહીથી ૩ મહત્વની અધિસૂચનાઓ જાહેર: સચીન મુકેશભાઇ પટેલ, ભરતસિંહ રાજપુત, ભાવિકાબેન ભગત, નરેન્દ્રકુમાર મોદી, દેવાભાઇ કોડીયાતર અને ધીરૂભાઇ પટેલને નોશનલ પ્રોમોશન અને નવી નિયુક્તિના આદેશ

ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના નાયબ સચિવ અચલ સોનીની સહીથી જાહેર કરાયેલી ૩ અલગ-અલગ સત્તાવાર અધિસૂચનાઓ અનુસાર, વર્ગ-૨ ના તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) સંવર્ગમાં એક વરિષ્ઠ અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે, જ્યારે પંચાયત અને રાજ્ય સેવા વર્ગ-૩ ના ૫ કર્મચારીઓને વર્ગ-૨ ટીડીઓ સંવર્ગના પે-મેટ્રિક્સ લેવલ-૮ (રૂપિયા ૪૪,૯૦૦ થી ૧,૪૨,૪૦૦) માં હંગામી ધોરણે બઢતી આપી નવી નિયુક્તિ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને સંભાવ્ય તારીખ (ડીમ્ડ ડેટ) થી નોશનલ અસરથી બઢતી મંજૂર કરવામાં આવી છે.
જૂનાગઢના ટીડીઓની પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં બદલી:
પહેલી અધિસૂચના અનુસાર, ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ માં તાલુકા વિકાસ અધિકારી તરીકે જૂનાગઢ ખાતે ફરજ બજાવતા ભુપેશકુમાર વસંતલાલ લીફવાલાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. તેઓને હવે જૂનાગઢ ખાતે જ આચાર્ય, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર તરીકે નવી નિયુક્તિ આપવામાં આવી છે. સંબંધિત નિયંત્રણ અધિકારીને તેઓને તુરંત ફરજમુક્ત કરવા આદેશ અપાયા છે.
વર્ગ-૩ ના કર્મચારીઓને બઢતી અને નવી નિયુક્તિ
બીજી અને ત્રીજી અધિસૂચનાઓ અન્વયે વર્ગ-૩ ના કુલ ૫ કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં પ્રમોશન આપી નીચે મુજબ અલગ-અલગ જગ્યાએ મુકાયા છે:
ભરતસિંહ દુદાજી રાજપુત: તેઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી (ખેતી) તરીકે ફરજ બજાવતા હતા, જેમને બઢતી આપીને બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીમાં જ ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.) તરીકે નિયુક્તિ અપાઈ છે.
સુશ્રી ભાવિકાબેન શૈલેષભાઇ ભગત: તેઓ નવસારી જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે કાર્યરત હતા, જેમને બઢતી સાથે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.
નરેન્દ્રકુમાર ભાઈ અંબાલાલ મોદી: તેઓ પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા, જેમને બઢતી આપીને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ સોંપાઈ છે.
દેવાભાઇ હમીરભાઇ કોડીયાતર: તેઓ પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે કાર્યરત હતા, જેમને પ્રમોશન આપીને જૂનાગઢ જિલ્લાના માળીયા-હાટીના ખાતે તાલુકા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.
ધીરૂભાઇ મકનભાઇ પટેલ: તેઓ વલસાડ જિલ્લા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી (ખેતી) તરીકે સેવા આપતા હતા, જેમને બઢતી આપીને વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) ના હોદ્દા પર મૂકવામાં આવ્યા છે.
સંભાવ્ય તારીખ (ડીમ્ડ ડેટ) થી નોશનલ બઢતીની મંજૂરી:
સરકાર દ્વારા જામજોધપુર (જિલ્લો જામનગર) ના તાલુકા વિકાસ અધિકારી સચીન મુકેશભાઇ પટેલને તેઓના જુનિયર અધિકારી સુશ્રી પાયલબેન ભરતભાઇ ચૌધરીની બઢતીના આધારે તા. ૨૦/૦૧/૨૦૨૩ થી સંભાવ્ય તારીખ તરીકે નોશનલ અસર મંજૂર કરાઈ છે. આ જ પ્રમાણે, ભરતસિંહ દુદાજી રાજપુતને પણ તેમના જુનિયર અધિકારી રાજેશકુમાર શ્રીરામભાઇ જોષીની બઢતીના આધારે તા. ૨૦/૦૧/૨૦૨૩ થી નોશનલ બઢતી અપાઈ છે. સુશ્રી ભાવિકાબેન શૈલેષભાઇ ભગતને તેમના જુનિયર અધિકારી શ્રીમતી પ્રીતિબેન ગાભાજી ઠાકોરની બઢતીના આધારે તા. ૨૪/૧૦/૨૦૨૩ થી સંભાવ્ય તારીખથી નોશનલ અસર મંજૂર કરવામાં આવી છે.
જ્યારે ત્રીજી અધિસૂચના હેઠળ, નરેન્દ્રકુમાર ભાઈ અંબાલાલ મોદીને જુનિયર અધિકારી કાંતિભાઇ ગણેશભાઇ પંડયાની બઢતીના આધારે, દેવાભાઇ હમીરભાઇ કોડીયાતરને જુનિયર અધિકારી જીવાભાઇ કાથડભાઇ શિયારની બઢતીના આધારે તેમજ ધીરૂભાઇ મકનભાઇ પટેલને જુનિયર અધિકારી કિરીટભાઇ કુતરભાઇ રાઠવાની બઢતીના આધારે તા. ૩૦/૦૩/૨૦૨૬ ની સંભાવ્ય તારીખથી નોશનલ અસરથી બઢતી મંજૂર કરવામાં આવી છે.
હાઇકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે બઢતી:
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ બઢતીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ વિવિધ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (SCA) જેવી કે SCA NO. 10067/2020 with SCA NO.18970/2017, SCA NO. 14101/2025, SCA NO. 14126/2025, SCA NO. 14158/2025 અને SCA NO. 5227/2026 અંતર્ગત નામદાર કોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે. તમામ સંબંધિત નિયંત્રણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે બદલી અને બઢતી મેળવનારા આ અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરી નવી નિયુક્તિની જગ્યાએ હાજર કરવા માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
