તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ના તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને નિમણૂકોમાં મોટો ફેરફાર : ગીર-સોમનાથના ઓર્ડર રદ કરાયા : જુઓ સંપૂર્ણ સૂચિ
પંચાયત વિભાગની નવી અધિસૂચના અનુસાર મૌલિક ભનુગર ગોસાઈ સુત્રાપાડામાં યથાવત : રીટાબેન સવાણી વિસાવદર મુકાયા : લક્ષ્મીબેન ઠાકોર, લતાબેન સોલંકી અને દિગંતકુમાર દરજીની જાહેર હિતાર્થે નવી બદલીઓ જાહેર

ગાંધીનગર:ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓ અને નિમણૂકો અંગે તાત્કાલિક અસરથી મહત્વનો નિર્ણય લઈને નવી અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ નવી અધિસૂચના અંતર્ગત અગાઉ ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કરવામાં આવેલા કેટલાક બદલીના હુકમો રદ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય અધિકારીઓની જાહેર હિતાર્થે નવી જગ્યાઓ પર બદલીથી નિમણૂક કરવામાં આવી છે.
અગાઉના બદલીના હુકમ રદ કરાયા:
વિભાગની ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ની અધિસૂચનાથી ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી મૌલિક ભનુગર ગોસાઈની કોડીનાર ખાતે અને કોડીનારના તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રીટાબેન ખીમજીભાઈ સવાણીની સુત્રાપાડા ખાતે કરવામાં આવેલી બદલીનો હુકમ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ મૌલિક ભનુગર ગોસાઈને સુત્રાપાડા (જિલ્લો ગીર-સોમનાથ) ખાતે જ તાલુકા વિકાસ અધિકારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે શ્રીમતી રીટાબેન ખીમજીભાઈ સવાણીની જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નવી બદલીથી નિમણૂક કરવામાં આવી છે.
જાહેર હિતાર્થે કરવામાં આવેલી નવી બદલીઓની વિગત:
પંચાયત વિભાગ દ્વારા જાહેર હિતાર્થે અન્ય અધિકારીઓની પણ તાત્કાલિક અસરથી બદલીઓ કરીને નવી જગ્યાઓ પર નિમણૂકો આપવામાં આવી છે:
૧. લક્ષ્મીબેન અનારજી ઠાકોર: તાલુકા વિકાસ અધિકારી, સરસ્વતી (જિલ્લો પાટણ) પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, અબડાસા (જિલ્લો કચ્છ) તરીકે મૂકવામાં આવ્યા છે.
૨. શ્રીમતી લતાબેન મનુભાઈ સોલંકી: ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, મહેસાણા પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, કોડીનાર (જિલ્લો ગીર-સોમનાથ) ખાતે મૂકવામાં આવ્યા છે.
૩. દિગંતકુમાર જયંતિલાલ દરજી: તાલુકા વિકાસ અધિકારી, ધંધુકા (જિલ્લો અમદાવાદ) પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, સરસ્વતી (જિલ્લો પાટણ) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
રાજ્યપાલના હુકમથી સરકારના નાયબ સચિવ અચલ સોની દ્વારા આ અધિસૂચના બહાર પાડવામાં આવી છે. બદલી હેઠળના તમામ અધિકારીઓને સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરીને નવી નિયુક્તિની જગ્યાએ હાજર કરવાની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
