<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

એનસીએલટી અમદાવાદમાં એમસર ટાઇલ્‍સને મોટી કાનૂની રાહતઃ સિમોન્‍ઝા ટાઇલ્‍સની નાદારી અરજી નામંજૂર કરી નિકાલ

ડી. એન. આહ્યા એન્‍ડ કંપનીના એડવોકેટ દર્શિત આહ્યાની રજૂઆતઃ અરજીની તારીખ અને બિલની વિગતોમાં ગંભીર અસંગતતા હોવાનું ટ્રિબ્‍યુનલનું તારણ

રાજકોટ તા.૩૦ :  નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલની અમદાવાદ બેન્‍ચે સિમોન્‍ઝા ટાઇલ્‍સ એલએલપી દ્વારા એમસર ટાઇલ્‍સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી નામંજૂર કરીને તેનો નિકાલ કર્યો છે. ટ્રિબ્‍યુનલના આ મહત્ત્વપૂર્ણ આદેશને પગલે એમસર ટાઇલ્‍સને મોટી કાનૂની રાહત મળી છે.

સિમોન્‍ઝા ટાઇલ્‍સ એલએલપી દ્વારા નાદારી અને દેવાળિયા સંહિતા, ૨૦૧૬ની કલમ ૯ હેઠળ એમસર ટાઇલ્‍સ વિરુદ્ધ કોર્પોરેટ નાદારી નિરાકરણ પ્રક્રિયા શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલની અમદાવાદ બેન્‍ચે તા. ૨૮ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ આપેલા આદેશમાં સીપી (આઈબી) નંબર ૩૫૬/૨૦૨૫ની અરજી નામંજૂર કરીને તેનો નિકાલ કરવાનો આદેશ આપ્‍યો હતો.

આ સમગ્ર મામલામાં ડી. એન. આહ્યા એન્‍ડ કંપની કાનૂની પેઢી તરફથી એડવોકેટશ્રી દર્શિત આહ્યાએ કોર્પોરેટ દેવાદાર એમસર ટાઇલ્‍સ પ્રાઇવેટ લિમિટેડ વતી કાનૂની રજૂઆત કરી હતી. અરજદાર કંપનીએ ગ્‍લેઝ્‍ડ વિટ્રિફાઇડ ટાઇલ્‍સના પુરવઠા સામે બાકી રહેલી રકમના આધારે નાદારી અને દેવાળિયા સંહિતાની કલમ ૯ હેઠળ કાર્યવાહી શરૂ કરવાની માગ કરી હતી.

એમસર ટાઇલ્‍સ તરફથી ટ્રિબ્‍યુનલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે સપ્‍લાય કરવામાં આવેલા માલમાં ગુણવત્તા સંબંધિત ખામીઓ હતી. આ ખામીઓને કારણે વિદેશી ખરીદદારે માલ સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે નિકાસ સામેની ચુકવણી પણ કંપનીને મળી નહોતી. કંપની તરફથી વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે બંને પક્ષો વચ્‍ચે અરજી દાખલ થઈ તે પહેલાંથી જ વિવાદ અસ્‍તિત્‍વમાં હતો.

એમસર ટાઇલ્‍સ તરફથી કરવામાં આવેલી રજૂઆતમાં માલની ગુણવત્તા, વિદેશી ખરીદદાર દ્વારા માલનો અસ્‍વીકાર, નિકાસની ચુકવણી નહીં મળવી અને અગાઉથી ચાલતા વિવાદને લગતા દસ્‍તાવેજો તથા વિગતો ટ્રિબ્‍યુનલના ધ્‍યાન પર મૂકવામાં આવ્‍યાં હતાં.

નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલે પોતાના આદેશમાં માગણી નોટિસ અને કલમ ૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં દર્શાવાયેલી ચૂકની તારીખ અંગેની અસંગતતાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. ટ્રિબ્‍યુનલે નોંધ્‍યું હતું કે અરજીમાં દર્શાવવામાં આવેલી ચૂકની તારીખ અને સંબંધિત બિલ તથા ચુકવણીની વિગતો વચ્‍ચે ગંભીર અસંગતતા હતી.

ટ્રિબ્‍યુનલના મતે આ અસંગતતાને માત્ર લખાણ કે ટાઇપની સામાન્‍ય ભૂલ તરીકે ગણી શકાય તેમ નહોતી. અરજદાર કંપની બાકી ચુકવણીની ચૂકની ચોક્કસ તારીખ સંતોષકારક રીતે સ્‍થાપિત કરવામાં નિષ્‍ફળ રહી હોવાનું પણ આદેશમાં નોંધવામાં આવ્‍યું હતું. આ સંજોગોમાં નાદારી અને દેવાળિયા સંહિતાની કલમ ૯ હેઠળ દાખલ અરજી સ્‍વીકારવા યોગ્‍ય નહીં હોવાનું માની ટ્રિબ્‍યુનલે તેને નામંજૂર કરીને નિકાલ કર્યો હતો.

ડી. એન. આહ્યા એન્‍ડ કંપની તરફથી એડવોકેટ શ્રી દર્શિત આહ્યાએ એમસર ટાઇલ્‍સ વતી દસ્‍તાવેજોમાં રહેલી અસંગતતા, ચૂકની તારીખ અને અગાઉથી અસ્‍તિત્‍વમાં રહેલા વિવાદ સહિતના મહત્ત્વપૂર્ણ કાનૂની મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ કેસમાં કંપની સેક્રેટરી સુશ્રી આયુષી કેસરિયા અને એડવોકેટ શ્રી હિરેન ડઢાણિયાનો પણ સહયોગ રહ્યો હતો.

એડવોકેટ શ્રી દર્શિત આહ્યાના નેતળત્‍વ હેઠળ કાર્યરત ડી. એન. આહ્યા એન્‍ડ કંપની બૌદ્ધિક સંપદા અધિકાર, કોર્પોરેટ કાનૂની વિવાદો અને વ્‍યાપારી કાનૂની બાબતોમાં સેવાઓ આપતી કાનૂની પેઢી છે. પેઢી દેશની અગ્રણી કંપનીઓને વિવિધ કાનૂની સેવાઓ પૂરી પાડે છે. મો. ૯૦૩૩૬૩૩૨૩૧

(1:13 PM IST)