તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
વરસાદી માહોલમાં હવે ભજીયા બનાવવા મોંઘા પડશે :સીંગતેલના ડબ્બે રૂપિયા 50 અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો
આગામી દિવસોમાં જો સિંગતેલના ભાવ પર કાબૂ નહીં મેળવાય, તો તહેવારોની સીઝનમાં તેલ પકવાનના સ્વાદને બગાડી નાખશે

રાજકોટ :ચોમાસાની સીઝન જામી છે અને આગામી સમયમાં તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે,એ જ સમયે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે, હોલસેલ અને રીટેલ માર્કેટમાં સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાના ભાવમાં સીધો રૂ. 50નો તોતિંગ વધારો જીંકી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે સિંગતેલ સામાન્ય માણસની પહોંચથી વધુ દૂર થઈ ગયું છે.
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ ગુજરાતના મોટાભાગના ઘરોમાં વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ રૂ. 30નો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે સિંગતેલના ભાવ વધે ત્યારે મધ્યમ વર્ગ કપાસિયા તેલ તરફ વળતો હોય છે, પરંતુ કપાસિયામાં પણ ભાવ વધતા હવે રસોઈ બનાવવી મોંઘી સાબિત થશે. બજારના વેપારીઓના મતે, મિલોમાં કાચા માલની (કપાસિયા અને સિંગદાણા) ઓછી આવક અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે ચાલુ વર્ષે સિંગતેલમાં શરૂઆતથી જ તેજીનો ટોન રહ્યો છે, જે અત્યારે પણ યથાવત છે.
ચોમાસાના ખુશહાલ વાતાવરણમાં ગુજરાતીઓ હોંશે-હોંશે ભજીયા, ગાંઠિયા અને અન્ય તળેલી વાનગીઓની મોજ માણતા હોય છે, પરંતુ તેલના આસમાને પહોંચેલા ભાવોને કારણે હવે ચોમાસામાં ભજીયા ખાવા પણ મોંઘા પડશે. ગૃહિણીઓનો આક્ષેપ છે કે દર વર્ષે તહેવારો નજીક આવે એટલે ઓઇલ મિલર્સ અને સટ્ટાખોરો દ્વારા તેલના ભાવ વધારી દેવામાં આવે છે, જેના પર સરકાર કે તંત્રનું કોઈ નિયંત્રણ હોતું નથી. આગામી દિવસોમાં જો સિંગતેલના ભાવ પર કાબૂ નહીં મેળવાય, તો તહેવારોની સીઝનમાં તેલ પકવાનના સ્વાદને બગાડી નાખશે
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
