News of Wednesday, 18th November 2026
વેસુની હોટેલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા વચ્ચે ચોથા માળેથી ઝંપલાવનાર સંચાલકનું સારવાર દરમિયાન મોત
સફલ સ્ક્વેર સ્થિત આરએસ હેરિટેજ ઓયો હોટેલમાં દેહવ્યાપારની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલાયો હતો : ગ્રાહક પાસેથી ૯,૦૦૦ રૂપિયા વસૂલી કોલકાતાની યુવતીને ૨,૫૦૦ અપાતા હોવાનો અઠવા પીઆઈ એમ.બી. શેરગિલનો ખુલાસો : ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આદરી

સુરત: શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસની તવાઈ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ની ટીમે ૧૭ નવેમ્બરની સાંજે વેસુના સફલ સ્ક્વેર ખાતે આવેલી આરએસ હેરિટેજ ઓયો હોટેલમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને જોઈને ગભરાઈ ગયેલા ૪૨ વર્ષીય હોટેલ સંચાલક રાજેશ રઘુવરસિંહે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
ડમી ગ્રાહક મોકલી દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ:
અઠવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગિલે આ સમગ્ર ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે વેસુના સફલ સ્ક્વેર વિસ્તારમાં દેહવ્યાપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીની ખાતરી કરવા માટે પોલીસ દ્વારા એક કર્મચારીને ડમી ગ્રાહક બનાવીને હોટેલની ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોટેલ સંચાલકો દ્વારા ગ્રાહક પાસેથી રૂપિયા ૯,૦૦૦ વસૂલવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સ્થળ પરથી મળી આવેલી યુવતી મૂળ કોલકાતાની વતની હોવાનું ખુલ્યું છે અને ગ્રાહક પાસેથી લેવાતી રૂપિયા ૯,૦૦૦ની રકમમાંથી યુવતીને માત્ર રૂપિયા ૨,૫૦૦ જ ચૂકવવામાં આવતા હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
પરિવારમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ વચ્ચે દુઃખદ ઘટના:
મૂળ હરિયાણાના વતની અને હાલ સુરતના મગદલ્લા ગામમાં રહીને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશ રઘુવરસિંહના અચાનક મોતથી સમગ્ર પોલીસ બેડા અને પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતની નોંધ કરીને વિધિવત તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે મૃતકના પરિવારમાં આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ યોજાવાનો હતો. આ સંજોગોમાં તેમણે માત્ર પોલીસ કાર્યવાહીના ડરથી આ અંતિમ પગલું ભર્યું હતું કે પછી અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હતો, તે તમામ દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકતો સ્પષ્ટ થશે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
