હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કઠલાલના છીપડી ગામે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા
મેનેજર હર્ષવર્ધન પોતાની કેબિનમાં પાણીની બોટલમાં દારૂ મિક્સ કરીને બિન્દાસ્તપણે મહેફિલ માણતો હતો,મેઇન બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અચાનક સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારો અને બેંકિંગ આલમને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કઠલાલના છીપડી ગામે આવેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર પોતાની જ કેબિનમાં દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. બેંકની મેઇન બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ જ્યારે અચાનક સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે કઠલાલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાયદાના લીરેલીરા ઉડાવતા બેંક મેનેજરની અટકાયત કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મેઇન બ્રાન્ચની એક ટીમ દ્વારા છીપડી શાખામાં સરપ્રાઈઝ વિઝિટ ગોઠવવામાં આવી હતી. આ ઓચિંતી તપાસ બેંકમાં રહેલા ગોલ્ડ (સોનાના દાગીના) અને રોકડ ભંડોળની ચકાસણી કરવા માટે રાખવામાં આવી હતી. જો કે, તપાસ કરવા આવેલી ટીમ જ્યારે બેંક મેનેજર હર્ષવર્ધનની કેબિનમાં પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. મેનેજર હર્ષવર્ધન પોતાની કેબિનમાં જ પાણીની બોટલમાં દારૂ મિક્સ કરીને બિન્દાસ્તપણે મહેફિલ માણી રહ્યો હતો.
બેંકિંગ સમય દરમિયાન મેનેજરને નશાની હાલતમાં જોઈને ઉચ્ચ અધિકારીઓએ મોડું કર્યા વિના તાત્કાલિક ધોરણે 112 નંબર પર કૉલ કરીને પોલીસને જાણ કરી હતી. કઠલાલ પોલીસની ટીમ તુરંત બેંક પર દોડી આવી હતી અને દારૂ પીધેલી હાલતમાં મેનેજર હર્ષવર્ધનની અટકાયત કરી લીધી હતી. આ શરમજનક ઘટનાને પગલે બેંક પ્રશાસન દ્વારા મેનેજર વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંક મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં મેનેજરને ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરવા સહિતની કડક ખાતાકીય કાર્યવાહી કરવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
